ઇંગ્લેન્ડ સામે ભારતની પાંચમી અને અંતિમ ટી-20માં ઓપનર અભિષેક શર્માએ તોફાની બેટિંગ સાથે 135 રન કરી અનેક રેકોર્ડ તોડ્યા હતા. અભિષેકે ફક્ત 37 બોલમાં સદી કરીને ઇંગ્લેન્ડના બોલરોને લાચાર કરી દીધા હતા. તેણે 270ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, એક સમયે તો લાગતું હતું કે તે રોહિત શર્માનો 35 બોલમાં સદીનો ભારતીય રેકોર્ડ તોડી નાખશે. જો કે, સામે છેડે વિકેટો પડતી રહેવાના કારણે તે થોડો ધીમો પડ્યો હતો. તેણે સદીમાં 10 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. તે સૌથી ઝડપી સદી ફટકારનારો બીજો ભારતીય બન્યો હતો..આ પહેલા તેણે હાફ સેન્ચુરી પણ ફક્ત 17 બોલમાં જ કરી હતી. ટી-20માં સૌથી ફાસ્ટેસ્ટ સદીનો રેકોર્ડ ભારતા રોહિત શર્મા અને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના નામે સંયુક્ત રીતે છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે 2017માં ઇન્દોર ખાતે 35 બોલમાં સદી ફટકારી હતી તો મિલરે 2017માં બાંગ્લાદેશ સામે પોચસ્ટ્રોફોમમાં સદી ફટકારી હતી. આમ અભિષેક શર્મા આ યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. ટી-20માં સૌથી ઝડપી હાફ સેન્ચુરીનો રેકોર્ડ યુવરાજસિંહના નામે છે. તેણે 2007માં ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે એ રેકોર્ડ કર્યો હતો. યુવરાજે એ મેચમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ હતી. સૂર્યકુમાર યાદવે 2022માં સાઉથ આફ્રિકા સામે ગુવાહાટીમાં 18 બોલમાં હાફ સેન્ચુરીની સિદ્ધિ નોંધાવી હતી. તેના પૂર્વે દુબઈમાં 2021માં કેએલ રાહુલે સ્કોટલેન્ડ સામે 18 બોલમાં હાફ સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી.
એક ઈનિંગમાં સૌથી વધુ 13 છગ્ગાનો ભારતીય રેકોર્ડ અભિષેકે કર્યો હતો, તો તેની વિસ્ફોટક બેટિંગના પગલે કોઈપણ ટી-20 મેચમાં ટીમની ઈનિંગની ફક્ત 10.1 ઓવરમાં કોઈ બેટરે સદી કર્યાનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે થયો છે, અગાઉ સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડીકોકે 10.2 ઓવરમાં સદી કરી હતી.
અભિષેકે રવિવારે પાવર પ્લેમાં તેના અંગત 58 રન કર્યા હતા, જે કોઈપણ ભારતીય બેટરનો સૌથી વધુ રનનો રેકોર્ડ છે, અગાઉ યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામે 2023માં 53 રન કર્યા હતા.