અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાના નિયમ અંગેનું પોતાનું કડક વલણ ફરીથી સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જન્મની સાથે નાગરિકતાનો કાયદો ગુલામોના બાળકો માટે હતો, સમગ્ર વિશ્વમાંથી અમેરિકા આવીને ભીડ કરવા માટે તેનો હેતુ નહોતો. ટ્રમ્પે તેમના કાર્યકાળના પ્રથમ દિવસે જ જન્મજાત નાગરિકતા વિરુદ્ધ આદેશ કર્યો હતો. જોકે, સીએટલની કોર્ટે બીજા જ દિવસે ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું છે કે, તે ચુકાદા સામે અપીલ કરશે. ગુરુવારે તેમણે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પોતાની તરફેણમાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “તમે ભૂતકાળ જોશો તો જણાશે કે આ કાયદો ગુલામોના બાળકો માટે બનાવાયો હતો. તેનો ઉદેશ્ય વિશ્વભરના લોકોને અમેરિકામાં ભેગા કરવાનો નહોતો. અત્યારે જગતભરમાંથી લોકો અહીં આવી રહ્યા છે. તેઓ જરા પણ યોગ્યતા ધરાવતા નથી અને કદાચ તેમના બાળકો પણ એવા જ હશે. કાયદો તેમના માટે ન હતો.”

ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતીશું.” તાજેતરમાં રીપબ્લિકન પાર્ટીના સેનેટર્સે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને હંગામી વિઝા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ્સના બાળકોને જન્મથી જ નાગરિકતાનો અધિકાર નહીં આપવાનું બિલ રજૂ કર્યું હતું. સેનેટર્સ ગ્રેહામ, ટેડ ક્રૂઝ અને કેટી બ્રિટે આ બિલ રજૂ કર્યું હતું. અમેરિકાનો વિશ્વના માત્ર એવા ૩૩ દેશોમાં સમાવેશ થાય છે જ્યાં જન્મજાત નાગરિકતા પર કોઇ નિયંત્રણ નથી. એક સંસ્થાના અંદાજ મુજબ 2023માં અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સે 2, 25, 000થી 2,50,000 બાળકોને જન્મ આપ્યો હતો. તે અમેરિકાના કુલ જન્મદરના લગભગ સાત ટકા છે.

LEAVE A REPLY