નાસાના ઇન્ડિયન અમેરિકન અવકાશયાત્રી સુનિતા ‘સુનિ’ વિલિયમ્સે 30 જાન્યુઆરીએ ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસનના સ્પેસવોકનો રેકોર્ડ તોડીને એક મોટી સિદ્ધિ મેળવી હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) દ્વારા સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જાહેર કરવામાં આવ્યું હતું કે, “નાસાનાં અવકાશયાત્રી સુનિ વિલિયમ્સે આજે ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસનના કુલ સ્પેસવોક સમય 60 કલાક અને 21 મિનિટના રેકોર્ડને પાર કર્યો છે.”
વિલિયમ્સ કેટલીક કામગીરી કરવા, વિશ્લેષણ કરવા અને ત્યાંની સપાટીમાંથી નમૂના એકત્ર કરવા માટે સ્પેસવોક દરમિયાન ISSની બહાર નીકળ્યા હતા. આ સ્પેસવોક એક્સપિડિશન 72નો ભાગ હતો. નાસાએ યુટ્યૂબ અને તેની અધિકૃત વેબસાઇટ પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કર્યું હતું, જે 92મું યુએસ સ્પેસવોક હતું.
સુનિતા વિલિયમ્સની સાથે અવકાશયાત્રી બુચ વિલ્મોર પણ જોડાયા હતા. આ વિલ્મોરનું પાંચમું અને વિલિયમ્સનું નવમું સ્પેસવોક હતું. આ સ્પેસવોક અંદાજે સાડા છ કલાક સુધી ચાલવાનું અનુમાન હતું. બંને અવકાશયાત્રીઓ ગત વર્ષે 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા એક્સપિડિશન 72ના ભાગરૂપે ISSમાં ગયા હતા.

LEAVE A REPLY