બ્રિટનના મુસ્લિમ સમુદાયોને જાહેર અવાજ પૂરો પાડવા માટે સ્થાપિત કરવામાં આવી રહેલી નવી રાષ્ટ્રીય સંસ્થા બ્રિટિશ મુસ્લિમ નેટવર્કને ટેકો આપવાની બીબીસી રેડિયો 4ના ટુડે કાર્યક્રમના ભૂતપૂર્વ પ્રઝન્ટર મિશાલ હુસૈન અને પ્રથમ મુસ્લિમ કેબિનેટ સભ્ય બેરોનેસ વારસીએ જાહેરાત કરી છે.
તેમાં એક ગવર્નિંગ બોર્ડ હશે, જેની અધ્યક્ષતા એક પુરુષ અને એક મહિલા કરશે. જે પ્રસારણ, કલા, ફિલ્મ અને રમતગમતની દુનિયાના મુસ્લિમ અગ્રણીઓ, ઇમામ, વકીલો, ડોકટરો અને શિક્ષણવિદોને એકસાથે લાવશે. આ સંસ્થાને બ્રિટિશ મુસ્લિમોની અત્યાર સુધીની સૌથી હાઇ-પ્રોફાઇલ નેટવર્ક સમાન બનાવાશે.
તે એક એવી સંસ્થા પ્રદાન કરશે જેની સાથે સરકાર મુસ્લિમ સમુદાયોને અસર કરતા મુદ્દાઓ પર વાતચીત કરી શકે અને મુસ્લિમ સમુદાયો માટે એકબીજા સાથે વાત કરવા માટે રાઉન્ડ ટેબલ-શૈલીના કાર્યક્રમો પણ યોજશે.
આ સંસ્થા ચેરિટી, સિનાગોગ અને અન્ય યહૂદી સંગઠનોને એકસાથે લાવતી જ્યુઇશ લીડરશીપ કાઉન્સિલ જેવી હશે.
ઓક્ટોબર 2023માં ઇઝરાયલ પર હમાસના હુમલા અને તેના જવાબમાં લશ્કરી કાર્યવાહી પછી, બ્રિટનના મુસ્લિમ સમુદાયોમાં વિવિધ જૂથોના વ્યક્તિઓને એકસાથે લાવી શકે તેવી સંસ્થાની જરૂરિયાત પર ચર્ચાઓ ઝડપી બની હતી.