‘ધ સન’ અખબારના પ્રકાશક રુપર્ટ મર્ડોકના ન્યૂઝ ગ્રુપ ન્યૂઝપેપર્સ (NGN)એ અમેરિકા સ્થિત કિંગ ચાર્લ્સ III ના નાના પુત્ર હેરીની “સંપૂર્ણ અને સ્પષ્ટ” માફી માંગી હતી અને “નોંધપાત્ર નુકસાન” ચૂકવવા સંમત થયા હતા.
ડ્યુક ઓફ સસેક્સ પુત્ર હેરીએ 1996થી 2011 વચ્ચે પત્રકારો અને ખાનગી તપાસકર્તાઓ દ્વારા ગેરકાયદેસર માહિતી એકત્ર કરવાના આરોપો પર NGN સામે કાનૂની કાર્યવાહી કરી હતી. બંધ થયેલ ટેબ્લોઇડ ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ ચલાવતા NGNએ તેના દ્વારા ચલાવાઇ રહેલા ‘ધ સન’માં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.
લંડનમાં હાઇકોર્ટમાં વાંચવામાં આવેલા NGNના નિવેદનમાં જણાવાયું હતું કે “NGN ૧૯૯૬ થી ૨૦૧૧ દરમિયાન ‘ધ સન’ દ્વારા તેમના અંગત જીવનમાં ગંભીર ઘૂસણખોરી માટે ડ્યુક ઓફ સસેક્સની સંપૂર્ણ અને સ્પષ્ટ માફી માંગે છે, જેમાં ‘ધ સન’ માટે કામ કરતા ખાનગી તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઘટનાઓનો પણ સમાવેશ થાય છે. NGN ‘ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ’ના નિર્દેશિત પત્રકારો અને ખાનગી તપાસકર્તાઓ દ્વારા ફોન હેકિંગ, દેખરેખ અને ખાનગી માહિતીના દુરુપયોગ માટે ડ્યુક ઓફ સસેક્સને સંપૂર્ણ અને સ્પષ્ટ માફી માંગે છે. NGN વધુમાં તેમના અંગત જીવનમાં તેમજ તેમની સ્વર્ગસ્થ માતા ડાયેનાના અંગત જીવનમાં, ખાસ કરીને વ્યાપક કવરેજ અને ગંભીર ઘૂસણખોરીનો તેમના પર પડેલા પ્રભાવ માટે ડ્યુકની માફી માંગે છે. અમે ડ્યુકને થયેલી તકલીફ અને સંબંધો, મિત્રતા અને પરિવારને થયેલા નુકસાન માટે જવાબદારી સ્વીકારીએ છીએ અને માફી માંગીએ છીએ, અને તેમને નોંધપાત્ર નુકસાન ચૂકવવા સંમત થયા છીએ.”
હેરીના વકીલે કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતાં આ વિજયને “સ્મરણાત્મક વિજય” જાહેર કરતાં કહ્યું હતું કે ‘’ન્યૂઝ ગ્રુપ ન્યૂઝપેપર્સ દ્વારા અનંત પ્રતિકાર, ઇનકાર અને કાનૂની લડાઈઓ બાદ £1 બિલિયનથી વધુ રકમની ચૂકવણી અને કાનૂની ખર્ચ ચૂકવવામાં આવશે. NGN ના ગેરકાયદેસર કાર્યો અને કાયદા પ્રત્યેની તેની સ્પષ્ટ અવગણનાની તપાસ થવી જોઈએ.”
વોટસને NGN ના માલિક રુપર્ટ મર્ડોકને હેરી અને તેના પિતા, કિંગ ચાર્લ્સની “વ્યક્તિગત માફી” માંગવા હાકલ કરી હતી.