(Photo by Chip Somodevilla/Getty Images)

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા સત્તાકાળનો આરંભ અપેક્ષા મુજબ તોફાની જ રહ્યો હતો અને તેના શાસનના પ્રથમ સપ્તાહમાં જ વહિવટી તંત્રએ ગેરકાયદે વિદેશી માઈગ્રન્ટ્સને શોધી શોધી તેમના દેશભેગા કરવાનું વ્યાપક કેમ્પેઈન શરૂ કરી દીધું હતું. આ કેમ્પેઈનની બે વિશિષ્ટ, ચોંકાવનારી ઘટનાઓમાં એક તરફ કોલમ્બિયાના ગેરકાયદે માઈગ્રન્ટ્સને લઈને ગયેલા વિમાનને ત્યાંના પ્રેસિડેન્ટે ઉતરવાની મંજુરી નહીં આપતાં રોષે ભરાયેલા ટ્રમ્પે કોલમ્બિયા સામે તાત્કાલિક અસરથી આયાતો ઉપર 25 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો, જેના પગલે પ્રેસિડેન્ટે નમતું જોખી પોતાના ગેરકાયદે વસાહતીઓને સ્વિકારી લેવાની અને વિમાનોને ઉતરવાની મંજુરીની જાહેરાત કરવી પડી હતી.

બીજી તરફ, ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં ગેરકાયદે વસાહતીઓની સંભાવના ધરાવતા એક મોટા ભારતીય ધાર્મિક સમુદાય – શીખોના ધર્મસ્થાનો – ગુરદ્વારાઓ ઉપર દરોડા પડાયા હતા. અન્ય તોફાની આદેશોમાં 2020માં કેપિટોલમાં ઘૂસી હિંસાખોરી આચરવા બદલ અપરાધી જાહેર થયેલા અને સજા ભોગવી રહેલા પોતાના 1500 જેટલા સમર્થકોને ટ્રમ્પે સામુહિક રીતે માફી આપી હતી, તો અમેરિકામાં હવેથી ફક્ત બે જ જાતિ – પુરૂષ અને સ્ત્રીને કાનૂની માન્યતાની જાહેરાત કરાઈ હતી અને તે રીતે એલજીબીટીક્યુ (મહિલા અને પુરૂષ સમલૈંગિકો, કુદરતી ક્રમથી વિપરીત જાતિય વૃત્તિઓ ધરાવતા વર્ગના લોકો) સમુદાય માટે કાનૂની માન્યતા રદ કરી દેવાઈ છે. આ બધા પગલાં સાથે ટ્રમ્પે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે પોતે જે ચૂંટણી વચનો આપ્યા હતા, તેનું પાલન કરવાની નિષ્ઠા આ સાથે દર્શાવી છે. ટ્રમ્પે અમેરિકાના બંધારણમાં અપાયેલો જન્મના આધારે સિટિઝનશિપનો અધિકાર પણ રદ કરવાની જાહેરાત કરી દીધી છે અને એ મામલે કાનૂની જંગ પણ શરૂ થઈ ગયો છે.

ટ્રમ્પ તંત્રએ અગાઉ કરેલી જાહેરાત મુજબ વિદેશોને, વિદેશી સંસ્થાઓને અપાતી સહાય પણ ઈઝરાયેલ સહિતના બે અપવાદ સિવાય હાલ પુરતી બંધ કરી દેવાની જાહેરાત કરી છે, જેના પગલે યુદ્ધગ્રસ્ત યુક્રેન ભીંસમાં મુકાયું છે. આવા કેટલાય પગલાંએ ટ્રમ્પના બીજા સત્તાકાળના પ્રથમ સપ્તાહને તોફાની બનાવી દીધું છે.

ગુરદ્વારાઓ ઉપર દરોડા

ટ્રમ્પે ગેરકાયદે માઈગ્રન્ટ્સ ઉપર તવાઈના આદેશ પછી અમેરિકાના અધિકારીઓએ આવા લોકોની શોધમાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુરુદ્વારાઓમાં દરોડા પાડ્યા હતા. બાઇડેન યુગમાં ધાર્મિક સ્થળો સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી સામે મનાઇ હતી.

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સીક્યોરિટીના અધિકારીઓ હાલ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ગુરુદ્વારાઓમાં તપાસ કરી રહ્યા છે. વિભાગનું માનવું છે કે આ ગુરુદ્વારાઓનો શિખ અલગતાવાદી તત્વો તેમજ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ઉપયોગ કરી રહ્યા છે.

વિભાગના પ્રવક્તાએ એવી શક્યતાઓ દર્શાવી હતી કે હવે ગેરકાયદે માઈગ્રન્ટ્સ કે અફરાધી તત્ત્વો અમેરિકાની સ્કૂલો અને ચર્ચોમાં નહીં સંતાઇ શકે.

ગુરુદ્વારાઓમાં તપાસના પગલાને કારણે કેટલાક શિખ સંગઠનોના ભવાં ખેંચાયા, તેઓ આ કાર્યવાહીને ધર્મની પવિત્રતા માટે ખતરારૂપ માને છે. એક નિવેદનમાં શિખ અમેરિકન લીગલ ડીફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે (SALDF) પૂજાના સ્થળો જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં દરોડા નહીં પાડવાના અગાઉના તંત્રના નિર્દેશો રદ કરાયા અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પરિવર્તન પરેશાન કરનારા છે.

LEAVE A REPLY