અમેરિકામાં બીજી વખત પ્રમુખ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોન કોલમાં ઇમિગ્રેશન, દ્વિપક્ષીય વાજબી વેપાર સંબંધો, વધુ અમેરિકી સિક્યોરિટી ઇક્વિપમેન્ટની ખરીદી, વૈશ્વિક શાંતિ સહિતના વિવિધ મુદ્દા પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને પણ આખરી ઓપ અપાયો હતો.
ફોન કોલ પછી ટ્રમ્પે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર “જે યોગ્ય છે” તે કરશે અને વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લે તેવી શક્યતા છે. ગયા અઠવાડિયે ભારતના વિદેશ પ્રધાન સાથેની બેઠકમાં ટ્રમ્પના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ગેરકાયદે ઇમિગ્રેશન સંબંધિત ચિંતા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી ચાલુ કરી છે તથા ભારત અને યુએસએ લગભગ 1,80,000 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી હોવાના રીપોર્ટ વચ્ચે ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ અંગેની ટીપ્પણીનું વિશેષ મહત્ત્વ છે.
આ વાતચીતને ફળદાયી ગણાવીને વ્હાઉસ હાઉસે જણાવ્યું હતું કે નેતાઓએ બંને દેશો વચ્ચેના સહકારને વિસ્તૃત બનાવવાની તથા ઇન્ડો-પેસિફિક, મધ્ય પૂર્વ અને યુરોપમાં સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકાના સિક્યોરિટી ઇક્વિપમેન્ટની ખરીદી પર ભાર મૂક્યો હતો. પ્રેસિડન્ટે અમેરિકા દ્વારા નિર્મિત સુરક્ષા સાધનોની ખરીદીમાં વધારો કરવા અને વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધોની પ્રગતિના મહત્વ પર ભાર મૂક્યો હતો.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોદીએ ટ્રમ્પને “પ્રિય મિત્ર” ગણાવ્યાં હતાં અને કહ્યું હતું કે તેઓ પરસ્પર ફાયદાકારક અને વિશ્વાસપાત્ર ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે. અમે અમારા લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.
ભારતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેતાઓએ ટેક્નોલોજી, વેપાર, રોકાણ, ઉર્જા અને સંરક્ષણ અંગે ચર્ચા કરી હતી તથા સંપર્કમાં રહેવા અને પરસ્પર અનુકૂળ તારીખે જલ્દીથી મળવા માટે સંમત થયા હતાં. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પ અને મોદીએ ક્વાડ સંગઠન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ સંગઠનમાં અમેરિકા અને ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. ભારત આ વર્ષના અંતમાં ક્વાડ નેતાઓની યજમાની કરશે.
વોશિંગ્ટનની બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશનના ભારતના નિષ્ણાત તન્વી મદને જણાવ્યું હતું કે એવું લાગે છે કે મોદી ટૂંક સમયમાંવોશિંગ્ટનની મુલાકાત લેશે. આ પછી ટ્રમ્પ ક્વાડ સમિટમાં હાજરી આપીને બદલો આપશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ટ્રમ્પે મોદી સાથે “ફળદ્રુપ” ફોન કૉલ કર્યો હતો તથા વાજબી દ્વિપક્ષીય વેપાર સંબંધો અને ભારત-યુએસ સહયોગ તરફ આગળ વધારવાની જરૂરિયાત દર્શાવી હતી.
સોમવારે ફ્લોરિડાના રિટ્રીટમાં હાઉસ રિપબ્લિકન સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા એવા દેશો પર ટેરિફ લાદશે જે અમેરિકાને “નુકસાન” કરે છે. તેમણે આ સંદર્ભમાં ચીન, ભારત અને બ્રાઝિલના નામો આપ્યા હતાં.
શું મોદી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ લેવા માટે સંમત થયા હતાં છે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મોદી જે યોગ્ય છે તે કરશે. અમે ચર્ચા કરી રહ્યા છીએ. આજે સવારે (સોમવારે) મેં તેની સાથે લાંબી વાતચીત કરી હતી. તેઓ આવતા મહિને કદાચ ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવવાના છે. ભારત સાથે અમારા ખૂબ સારા સંબંધો છે. દરેક બાબતની ચર્ચાવિચારણા થઈ હતી. વડાપ્રધાનની યુ.એસ.ની સફર ફોન કોલ દરમિયાન ફાઇનલ કરવામાં આવી હતી. ટ્રમ્પના બીજા કાર્યક્રમમાં મોદીની પ્રથમ યુએસ મુલાકાત હશે. ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંનેએ સપ્ટેમ્બર 2019માં હ્યુસ્ટનમાં અને ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં બે અલગ-અલગ રેલીઓમાં હજારો લોકોને સંબોધિત કર્યા હતાં.