ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ પદ સંભાળ્યા પછી ઇન્ડિયન અમેરિકન સહિતનો ઇમિગ્રન્ટ સમુદાય મોટા ફેરફાર સાથેની ઇમિગ્રેશન નીતિના કેન્દ્રમાં આવી ગયો છે. સત્તાના પ્રથમ દિવસે જ ટ્રમ્પે “પ્રોટેક્ટિંગ ધ મીનિંગ એન્ડ વેલ્યુ ઓફ અમેરિકન સિટિઝનશિપ” નામના એક્ઝિક્યુટિવ ઓર્ડરને મંજૂરી આપી હતી. આ ઓર્ડર દ્વારા દેશના જન્મસિદ્ધ નાગરિકત્વને રદ્ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના દ્વારા બિન નાગરિકોના અમેરિકામાં જન્મેલા બાળકોને આપોઆપ દેશની નાગરિકતા મળતી હતી.
આવા નીતિગત ફેરફારથી મોટી સંખ્યામાં ભારતીય પરિવારોને સીધી અસર થશે. વિશેષમાં તો H-1B વર્ક વિઝા અથવા H-4 જેવા હંગામી વિઝા પર લાંબા સમયથી દેશમાં આવેલા લોકો તેમના બાળકોના રક્ષણ તરીકે જન્મસિદ્ધ નાગરિકતા પર આધાર રાખે છે તેમનું ભવિષ્ય હવે જોખમાશે. નવા આદેશ મુજબ દેશમાં જન્મેલા બાળકો જેઓ નાગરિકતા ધરાવતા નથી અને દેશમાં હંગામી ધોરણે વસતા માતા-પિતાઓને વિઝા કેટેગરીઝમાં હવે આપોઆપ અમેરિકાની નાગરિકતા મેળવી શકશે નહીં.
અમેરિકામાં વસતા એક મિલિયનથી વધુ ભારતીયો દસકાઓથી ગ્રીનકાર્ડની પડતર કામગીરીમાં અટવાયા છે. આવા ઘણા પરિવારોમાં તેમના બાળકોને જન્મસિદ્ધ નાગરિકતા મળશે તેવી અપેક્ષા હતી. જો આ આદેશનો અમલ કરવામાં આવશે તો તેનાથી કાયદેસરની નાગરિકતા માટે રાહ જોઈ રહેલા માતા-પિતા માટે દેશમાં જન્મેલા બાળકોના આપોઆપ નાગરિકતા મળવાના અધિકારને જોખમમાં મૂકશે, જેના કારણે આવા પરિવારો કાયદાકીય આંટીઘુંટીમાં ફસાશે.
ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં દલીલ કરવામાં આવી છે કે, આ સુધારાનો હેતુ ક્યારેય જાહેર અમલ માટે નહોતો. તેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, હંગામી વિઝાધારકો જેવા જે લોકો દેશના “અધિકાર ક્ષેત્રને આધીન” નથી તેમનો સમાવેશ કરવો જોઇએ નહીં.
આ આદેશથી ‘બર્થ ટુરિઝમ’ને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ એક એવી વ્યવસ્થા છે, જેમાં વિદેશી નાગરિકો તેમના બાળકો માટે નાગરિકતા સુરક્ષિત કરવા તેમને જન્મ આપવા માટે અમેરિકામાં આવે છે. આ મુદ્દે ભારતીય પરિવારો, મેક્સિકન પરિવારો મોખરે છે.