અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખાનગી કંપનીઓ મારફત આર્ટિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 500 બિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી હોવાથી એઆઇ ક્ષેત્રમાં નવી સવારનો ઉદય થવાની ધારણા છે.
ટ્રમ્પની જાહેરાત મુજબ ખાનગી કંપનીઓ સાથે મળીને સ્ટારગેટ નામના સંયુક્ત સાહસની રચના કરશે અને આ જંગી રોકાણ કરશે. આ પ્રોજેક્ટ્ અમેરિકામાં ડેટા સેન્ટર્સનું નિર્માણ કરશે અને નોકરીની આશરે 1 લાખ તકો ઊભી કરશે.
AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં જોડાવા માટે સંમત થઈ છે તેમાં ટોચની AI જાયન્ટ્સ ઓપનએઆઇ, સોફ્ટબેન્ક અને ઓરેકલનોનો સમાવેશ થાય છે. સોફ્ટબેન્કના સીઇઓ માયાયોશી સોન, ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેન અને ઓરેકલના ચેરમેન લેરી એલિસને વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે એક બેઠક પણ યોજી હતી.
વ્હાઈટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન આપણો પ્રતિસ્પર્ધી છે, અન્ય દેશો પણ આપણા પ્રતિસ્પર્ધી છે. આપણે તેમને આકરી સ્પર્ધા આપવા તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા પડશે. અમે પાર્ટનરશીપમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે હાલ 100 અબજ ડોલરનું રોકાણ કરીશું. બાદમાં આગામી ચાર વર્ષમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવીએ છીએ.ઓરેકલના એલિસને જણાવ્યું હતુ કે, ‘ટેક્સાસમાં આ પ્રોજેક્ટ માટે 10 ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યા છે.અને આગામી સમયમાં વધુ ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે.’