ફિલ્મ નિર્માતાઓ નવી ફિલ્મ રિલીઝ કરવા માટે દિવાળી અને રાષ્ટ્રીય તહેવારોના દિવસો પસંદ કરે છે. આ સમયગાળામાં ફિલ્મોને સારો બિઝનેસ મળી રહે છે. વળી, આ વખતે 15 ઓગસ્ટ શુક્રવારે આવે છે અને ત્યાર પછી વીકેન્ડ છે. જેના કારણે રિલીઝ થયા પછી પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મને બોક્સઓફિસ સુપર હિટ થવાની તક મળી શકે છે.
આ સમયને ધ્યાને રાખીને રિતિક રોશન-જુનિયર એનટીઆરની બિગ બજેટ ‘વોર 2’ને 15 ઓગસ્ટે રિલીઝ કરવાનું નક્કી થયું છે. રીપોર્ટ્સ મુજબ, આમિર ખાન અને સની દેઓલની ‘લાહોર 1947’ તથા રજનીકાંતની ‘કુલી’ પણ આ દિવસે રિલીઝ થઈ શકે છે. આમ, રાજકારણની જેમ ફિલ્મોમાં પણ ત્રિપાંખિયા જંગની આ સ્થિતિમાં દરેકને નાનું-મોટું નુકસાન થવાનું નિશ્ચિત છે, પણ રાષ્ટ્રીય પર્વના માહોલને ધ્યાનમાં રાખીને ત્રણેય મહત્ત્વાકાંક્ષી ફિલ્મોને એક સાથે રિલીઝ કરાય તો બોક્સઓફિસ પર કોનું રાજ રહેશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.
યશરાજ પ્રોડક્શન્સના સ્પાય યુનિવર્સની ‘વોર 2’ને 15 ઓગસ્ટે રિલીઝ કરવાની જાહેરાત અગાઉ થઈ ચૂકેલી છે. આમિર ખાને પ્રોડ્યુસર તરીકે બનાવેલી ‘લાહોરઃ1947’ તથા ડાયરેક્ટર લોકેશ કનગરાજ અને રજનીકાંતની ‘કુલી’ની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. બે બિગ બજેટ ફિલ્મો વચ્ચે સીધી ટક્કર બાદ પણ બંનેને સારી આવક થતી હોવાનું ‘સ્ત્રી 2’ અને ‘સિંઘમ અગેઈન’માં સાબિત થયું છે. જેના કારણે ‘વોર 2’નો માર્ગ સરળ રહેવાની શક્યતા નહીંવત છે.
આમિર ખાને ડાયરેક્ટર રાજકુમાર સંતોષી અને ‘ઘાતક’ એક્ટર સની દેઓલ સાથે ‘લાહોરઃ1947’ શરૂ કરેલી છે. આ ફિલ્મની સ્ટોરી ભારતના સ્વતંત્રતા દિવસ સાથે સંકળાયેલી છે. દેશભક્તિનો જુસ્સો ધરાવતી ફિલ્મ માટે 15 ઓગસ્ટથી વધારે સારો દિવસ ન હોઈ શકે તેવું આમિર અને સની દેઓલ માને છે. અગાઉ આ દિવસે દેશભક્તિના વિષય ધરાવતી અનેક ફિલ્મો રિલીઝ થયેલી છે અને હિટ પણ રહી છે. આ ફિલ્મમાં આમિર ખાનનો એક્સ્ટેન્ડેટ કેમિયો હોવાનું પણ કહેવાય છે. આમિરના રોલ અંગે સત્તાવાર ખુલાસો થયો નથી, પરંતુ રિતિક-જુનિયર એનટીઆરની જોડીને સની-આમિરની જુગલબંદી ભારે પડી શકે છે.
કેટલાક રિપોર્ટ્સ મુજબ, ‘વોર 2’નો માર્ગ વધારે કપરો બની શકે છે. સુપરસ્ટાર રજનીકાંતની દરેક ફિલ્મ સાઉથના માર્કેટમાં છવાઈ જાય છે. હિન્દી દર્શકોનો રીસ્પોન્સ અનિશ્ચિત હોય છે, પરંતુ સાઉથમાં રજનીકાંતનું સ્ટારડમ અન્ય બે ફિલ્મોની આવક ઘટાડી શકે છે. જ્યારે નોર્થ ઈન્ડિયામાં રજનીકાંતની લોકપ્રિયતાને અન્ય બે ફિલ્મો ભારે પડી શકે છે. ‘ગદર 2’ની સફળતા પછી સની દેઓલ ફરી જૂના અંદાજમાં આવી રહ્યા છે અને સમય ઓળખીને આમિર ખાને એક્ટિંગના બદલે પ્રોડક્શન પર ધ્યાન આપ્યું છે.
ખાસ વાત એ છે કે, રજનીકાંત સાથે ‘કૂલી’માં પણ આમિર ખાનનો એક્સ્ટેન્ડેડ કેમિયો છે. કોઈ એક્ટરની બે ફિલ્મો વચ્ચે સીધી ટક્કર થાય તેવો સંજોગ પણ આ વખતે સર્જાઈ શકે છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, ઓગસ્ટ મહિનામાં બોક્સઓફિસ પર રાજ કરવા માટેની વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે. વધુમાં વધુ સ્ક્રીન્સ અને શો બૂક કરવા તથા વર્લ્ડવાઈડ ભવ્ય રિલીઝ માટે ત્રણેય ફિલ્મના મેકર્સ વચ્ચે આગામી સમયમાં મોટી ખેંચતાણ થઈ શકે છે.