વાઇસ ચાન્સેલર અને ચીફ એક્ઝિક્યુટિવ, પ્રોફેસર એલેક્સ સુબિક અને ડૉ. જેસન વૌહરા OBE

બર્મિંગહામ શહેરના સીટી સેન્ટરમાં આવેલા સિમ્ફની હોલ ખાતે યોજાયેલા એસ્ટન યુનિવર્સિટીના પ્રથમ વિન્ટર ગ્રેજ્યુએશન સમારોહમાં બર્મિંગહામના ઉદ્યોગસાહસિક અને બિઝનેસ લીડર ડૉ. જેસન વૌહરા OBEની ચાન્સેલર તરીકે વરણી કરવામાં આવી છે. ડૉ. વોહરા છેલ્લા 13 વર્ષથી આ પદ પર સેવા આપતા સર જોન સન્ડરલેન્ડનું સ્થાન લેશે.

ગ્રેજ્યુએશન સમારોહની શરૂઆતમાં ઇસ્ટ એન્ડ ફૂડ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. વૌહરાને ચાન્સેલરની ચેઇન અર્પણ કરવામાં આવી હતી. ત્રણ સમારોહમાં આશરે 4,500 સ્નાતકો અને મહેમાનોએ હાજરી આપી હતી. બર્મિંગહામ મ્યુનિસિપલ ટેકનિકલ સ્કૂલ તરીકે સ્થપાયેલ અને એસ્ટન યુનિવર્સિટીમાં વિકસિત થયેલ સંસ્થાના 130 વર્ષ પણ પૂર્ણ થયા છે.

ડૉ. વોહરા એસ્ટનના પાંચમા ચાન્સેલર છે, અને યુનિવર્સિટીના ઔપચારિક વડા તરીકે તેમની હાઇ પ્રોફાઇલ ભૂમિકા નિભાવશે. તેમને 2014 માં ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસના વિકાસમાં આપેલા યોગદાન બદલ એસ્ટન દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરાઇ હતી.

ડૉ. વોહરા યુકેના અગ્રણી ઇન્ડીપેન્ડન્ટ બિઝનેસ લાયનક્રોફ્ટ હોલસેલના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ છે તેમજ યુકેના સૌથી મોટા સ્વતંત્ર હોલસેલ બાયર ગૃપ યુનિટાસના વર્તમાન ચેરમેન છે. ડૉ. વૌહરાને 2017 માં મહારાણી દ્વારા બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં સેવાઓ બદલ OBE એનાયત કરાયો હતો. તેઓ 2013માં વેસ્ટ મિડલેન્ડ્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સના એશિયન હેરિટેજના સૌથી યુવા અને પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. જેના કારણે તેમને તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનના બિઝનેસ એડવાઇઝર બનાવાયા હતા. જૂન 2020માં તેમને એસ્ટન યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી, યુનિવર્સિટી કાઉન્સિલમાં નિયુક્ત કરાયા હતા. તેમણે ગયા વર્ષે વિશ્વભરમાં સખાવતી પહેલને ટેકો આપવા માટે લાયનક્રોફ્ટ ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી.

સમારોહમાં એસ્ટન યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર અને ચીફ એક્ઝિક્યુટિવ, પ્રોફેસર એલેક્સ સુબિકે કહ્યું હતું કે “મને આનંદ છે કે આ સમારોહમાં નવા ચાન્સેલર, ડૉ. વૌહરાને સુકાન સોંપાઇ રહ્યું છે. તેઓ એક ઉદ્યોગસાહસિક અને બિઝનેસ લીડર તરીકે પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડ ધરાવે છે.”

ડૉ. વોહરાએ ઉમેર્યું હતું કે “એસ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે સત્તાવાર રીતે નિયુક્ત થવું એ એક મોટું સન્માન અને વિશેષાધિકાર છે, અને અલબત્ત, યુરોપમાં સૌથી નાની ઉંમરના ચાન્સેલર અને એશિયન – અને ખાસ કરીને શીખ – વારસાના પ્રથમ ચાન્સેલર બનવું ખૂબ જ નમ્ર છે. હું યુનિવર્સિટી ટીમ સાથે કામ કરવા આતુર છું જેથી વિદ્યાર્થીઓને મદદ મળે અને આવનારી પેઢીઓ માટે યુકે અને તેનાથી આગળ એક કાયમી વારસો છોડી શકે.”

 

LEAVE A REPLY