બ્રિટનના ચકચારી ફોન હેકિંગ અને જાસૂસી કેસમાં રુપર્ટ મર્ડોકના બ્રિટન સ્થિત ટેબ્લોઇડ્સે પ્રિન્સ હેરીની માફી માગીને નુકસાન બદલ જંગી વળતર ચુકવવાનું સેટલમેન્ટ કર્યું હતું. દાયકા સુધી પ્રિન્સ હેરીની ગેરકાયદે જાસૂસ બદલ સન અને હાલમાં બંધ પડેલા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ નામના ટેબ્લોઇડના પ્રકાશકો સામે લંડન હાઇ હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ થાય તે પહેલા આ જાહેરાત થઈ હતી. ધ સનમાં ગેરરીતિ થઈ હોવાનો ન્યૂઝ ગ્રૂપ ન્યૂઝપેપર્સ (NGN)એ પ્રથમ વખત સ્વીકાર કર્યો હતો. આ ટેબ્લોઇટ એક સમયે ટોપલેસ મહિલાઓના ફોટા દર્શાવવા માટે જાણીતું બન્યું હતું.
કોર્ટમાં સેટલમેન્ટ નિવેદનમાં એટર્ની ડેવિડ શેરબોર્ને જણાવ્યું હતું કે ન્યૂઝ ગ્રુપ ન્યૂઝપેપર્સે ધ સન દ્વારા 1996 અને 2011ની વચ્ચે તેમના અંગત જીવનમાં ગંભીર ઘૂસણખોરી બદલ ડ્યુક ઓફ સસેક્સની સંપૂર્ણ અને સ્પષ્ટ માફી માંગી હતી. ધ સન માટે કામ કરતા ખાનગી તપાસકર્તાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું આચરણ કર્યું હતું.
ધ સનના જર્નાલિસ્ટ્સો અને ખાનગી તપાસકર્તાઓ સામે હેરીને ટાર્ગેટ બનવાતા ફોન હેકિંગ, સર્વેલન્સ અને ખાનગી માહિતીના દુરુપયોગ સહિતના આરોપો હતાં. કોર્ટમાં કેસ પહેલા NGNએ તમામ આરોપનો ઇનકાર કર્યો હતો. આ ટેબ્લોઇટએ પ્રિન્સ હેરીના માતા સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના જીવનમાં ઘૂસણખોરી કરી હોવાનો પણ સ્વીકાર કર્યો હતો.
સેટલમેન્ટ નિવેદનમા જણાવ્યું હતું કે અમે ડ્યુકને થયેલી તકલીફ તથા સંબંધો, મિત્રતા અને કુટુંબને થયેલા નુકસાનને સ્વીકારીએ છીએ અને માફી માગીએ છીએ અને નુકસાન બદલ મોટું વળતર ચુકવવા માટે સંમત છીએ.
ફોન હેકિંગ અને અંગત જીવનમાં ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દે આશરે 1300 હસ્તીઓએ ન્યૂઝ ગ્રુપ ન્યૂઝપેપર્સ સામે કોર્ટમાં દાવા માંડ્યા હતાં. આ તમામ દાવાનું સેટમેન્ટલ થઈ ગયું છે અને હવે હેરીના દાવાનું પણ સેટલમેન્ટ થયું છે. પ્રિન્સ હેરી બ્રિટનના રાજા ચાર્લ્સ IIIના નાના પુત્ર છે. 2011માં મોટા ફોન હેકિંગ સ્કેન્ડલને પગલે મર્ડોકએ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રિન્સ હેરીએ તેમની માતા પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ માટે મીડિયાને દોષી ઠેરવ્યું હતું. ડાયનાનું 1997માં પેરિસમાં પાપારાઝી પીછો કરતાં હતા ત્યારે કાર અકસ્માતમાં મોત થયું હતું.