અક્ષયકુમારે 2025 માટે અનેક નવા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. વર્તમાનમાં હિટ બનેલી હોરર કોમેડી જોનરને પસંદ કરી અક્ષયકુમાર ‘ભૂત બંગલા’ ફિલ્મ પ્લાન કરી છે. આ ફિલ્મમાં અક્ષયે એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ જવાબદારી લીધી છે. કોમેડી ફિલ્મોના માસ્ટર ડાયરેક્ટર પ્રિયદર્શનને આ ફિલ્મનું સુકાન સોંપવા ઉપરાંત અક્ષયકુમારે પોતાની ટીમમાં તબુનો પણ સમાવેશ કર્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘ડ્યુન પ્રોફેસી’માં તબુના આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ થઈ રહ્યા છે.
દરેક પ્રકારના રોલને જીવંત બનાવતી તબુએ અક્ષયની ફિલ્મમાં પોતાના કાસ્ટિંગ અંગે ખુલાસો કર્યો છે. તબુએ સેટ પર પહેલા દિવસની ઝલક આપવાની સાથે જૂના સાથીદારો સાથે નવા પ્રોજેક્ટની એનાઉન્સમેન્ટ કરી હતી. તબુ અને અક્ષય કુમારે અગાઉ ‘હેરા ફેરી’માં પ્રિયદર્શનના ડાયરેક્શનાં કામ કરેલું છે. તબુએ ક્લિપ બોર્ડનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, અમે અહીં ફસાયેલા છીએ.
ભૂતબંગલાને એકતા કપૂરની બાલાજી ફિલ્મ્સ અને અક્ષયકુમારની કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, વામિકા ગબ્બી પણ અક્ષય કુમારની ફિલ્મમાં જોડાઈ છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં ત્રણ એક્ટ્રેસ સાથે કામ કરશે. ફિલ્મની સ્ટોરી કે કેરેક્ટર અંગે ખાસ વિગતો બહાર આવી નથી, પરંતુ અક્ષય કુમાર તેમાં જાદુગરનો રોલ કરે તેવી અટકળો છે. 2 એપ્રિલ, 2026ના રોજ ફિલ્મને રિલીઝ કરવાનું આયોજન છે.