કોલકાતામાં આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર રેપ અને મર્ડરના ચકચારી કેસમાં સિયાલદાહની કોર્ટે સોમવાર, 20 જાન્યુઆરીએ મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા સંભાળવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસ મૃત્યુદંડ માટે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ કેટેગરીમાં આવતો નથીન્યાયાધીશ અનિર્બાન દાસે પશ્ચિમ બંગાળ સરકારને પીડિતાના માતા-પિતાને વળતર તરીકે 17 લાખની રકમ ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટરૂમમાં હાજર પીડિતાના માતા-પિતાએ હાથ જોડીને કહ્યું કે તેઓને વળતર નહીં, પણ ન્યાય માંગે છે.
આ ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફેલાયાના આશરે 162 દિવસ પછી કોર્ટે શનિવારે સંજય રોયને દોષિત ઠેરવ્યો હતો અને સજાની જાહેરાત સોમવાર, 20 જાન્યુઆરી કરી હતી.
મૃતક મહિલા ડૉક્ટરના માતાપિતાએ ચુકાદાને આવકાર્યો હતો, જોકે માતાએ જણાવ્યું હતું કે સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. મારી પુત્રીને ત્રાસ આપવા અને મારી નાખવામાં સંજય રોયની ભૂમિકા સાબિત થઈ છે, પરંતુ તે એકલો ન હતો. અન્ય જેમની હજુ ધરપકડ કરાઈ નથી, તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.
ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ ચુકાદાને આવકાર્યો હતો, પરંતુ જણાવ્યું હતું કે RG કર હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદિપ ઘોષ અને ભૂતપૂર્વ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને પણ આજે સજા થઈ હોય તો અમે વધુ ખુશ હોત
નવ ઓગસ્ટ 2024એ મહિલા ડોક્ટરનો મૃતદેહ હોસ્પિટલના સેમિનાર રૂમમાંથી મળ્યો હતો. તેના એક દિવસ પછી કોલકાતા પોલીસમાં સ્વયંસેવક તરીકે કામ કરતાં સંજય રોયની ધરપકડ કરાઈ હતી.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે ડોક્ટરના યૌન શોષણ અને તેનું ગળું દબાવીને હત્યા કરવા બદલ રોયને દોષિત ઠેરવવામાં આવે છે અને સીબીઆઈએ તેની સામેના તમામ આરોપો સાબિત કર્યાં છે. રોય સવારે 4 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને હોસ્પિટલના સેમિનાર રૂમમાં સૂઈ રહેલી ફરજ પરની ડૉક્ટર પર હુમલો કર્યો હતો.કોર્ટમાં પોતાનો લૂલો બચવામાં રોયે જણાવ્યું હતું કે મને ફસાવવામાં આવ્યો છે. હું રુદ્રાકાશની માળા પહેરું છું અને જો મેં ગુનો કર્યો હોત તો તે તૂટી ગઈ હોત.