(PTI Photo/Kunal Patil)

મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના પ્રથમ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને આશરે 60,000 ભારતીય પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. ક્રિસ માર્ટિને કોન્સર્ટ દરિયાન ‘જય શ્રી રામ’નો અર્થ શું થાય તે પૂછ્યું હતું અને શોનું સમાપન કરતી વખતે કહ્યું હતું કે ક્રિકેટર જસપ્રિત બુમરાહ બોલિંગ કરવા માંગે છે.

ભારતમાં નવ વર્ષ પછી પ્રથમ વખત યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સંગીત અને સંસ્કૃતિનું ઉજવણી બની ગયો હતો. 18 જાન્યુઆરીએ કોલ્ડપ્લેએ ભારતમાં ‘મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ની શરૂઆત કરી હતી. ભરચક સ્ટેડિયમમાં બે કલાક સુધી માર્ટિને “પેરેડાઇઝ”, “વિવા લા વિડા”, “એડવેન્ચર ઓફ એ લાઇફટાઇમ”, “યલો”, “ફિક્સ યુ”, અને “એ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ” જેવા ચાર્ટબસ્ટર ગીત રજૂ કર્યા હતાં.

સૌથી અનોખી ક્ષણો એ હતી કે માર્ટિને “જય શ્રી રામ” લખેલા પ્લેકાર્ડ સાથે એક પ્રેક્ષકને જોઇને તે વાંચવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેને કહ્યું હતું કે “જય શ્રી રામનો અર્થ શું છે? કંઈક સારું હોવું જોઈએ.” માર્ટિનની આવી નિર્દોષ પૂછપરછથી પ્રેક્ષકોની ઉત્તેજનામાં વધારો થયો હતો.

સમગ્ર શો દરમિયાન માર્ટિને પ્રેક્ષકો સાથે તેમની માતૃભાષામાં જોડાવા માટે એક પ્રયાસ કર્યો હતો. હિન્દી અને મરાઠી બોલવાના તેમના પ્રયાસોને દર્શકોએ આવકાર્યા હતા. કોન્સર્ટની શરૂઆતમાં, તેમણે મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં ભીડ સાથે વાર્તાલાપ કર્યો હતો. હિન્દીમાં કહ્યું, “આપ સબ કા બહુ સ્વાગત હૈ હમારે શો પે. મુંબઈ મેં આકર હમે બહુત ખુશી હો રહી હૈ.

કોન્સર્ટના અંતમાં માર્ટિને તેના ચાહકોને ચીડવતા કહ્યું હતું કે શોને ઝડપથી સમેટી લેવાની જરૂર છે કે કારણ કે ભારતીય બોલર જસપ્રિત બુમરાહનો સ્ટેડિયમમાં ક્રિકેટ રમવાનો સમય થઈ ગયો છે અને તે મારી સામે બોલિંગ કરવા માગે છે.

LEAVE A REPLY