આ ફિલ્મ દ્વારા સોનુ સૂદે દિગ્દર્શક તરીકેની પણ શરૂઆત કરી છે. તે ફતેહ સિંઘના પાત્રમાં છે, જે ભૂતપૂર્વ એજન્ટમાંથી ડેરી ફાર્મ સુપરવાઈઝર બને છે. તે ગામમાં એક યુવતી-નિમ્રિત કૌર એક મોબાઈલ શોપ ચલાવે છે, તે ઓનલાઈન લોન છેતરપિંડીનો શિકાર બન્યા પછી ફતેહ સિંઘ તેને બચાવવાનું સાહસ કરે છે. કમનસીબે, ગામનો એક વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બન્યા પછી આત્મહત્યા કરે છે અને બાકીના ગામલોકોને તેનો ભોગ બનતા બચાવવા માટે નિમ્રિત દિલ્હી જવા રવાના થાય છે.
દિલ્હી આવ્યા પછી નિમ્રિત ગુમ થઈ જાય છે અને પછી ફતેહ સિંઘ તેને શોધવા આવે છે. નિમ્રિતને શોધતી વખતે ફતેહ સિંઘને ખબર પડે છે કે દેશમાં સાયબર ક્રાઈમનું નેટવર્ક કેટલું ખરાબ રીતે ફેલાયેલું છે. નિમ્રિતને બચાવવાના પ્રયાસમાં, ફતેહ સિંઘને રઝા (નસીરુદ્દીન શાહ) અને સત્ય પ્રકાશ (વિજય રાઝ) દ્વારા ચલાવવામાં આવતા સાયબર ક્રાઈમ રેકેટની જાણ થાય છે. તે આ સાયબર ક્રાઇમને નાથવા માટે એથિકલ હેકર ખુશી (જેક્વેલિન ફર્નાન્ડીઝ) ની મદદ લે છે. સાયબર ક્રાઈમ સામે ફતેહ સિંઘની લડાઇ અહીંથી શરૂ થાય છે. હવે આગળની કહાની જાણવા આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મની કહાની આગળ વધતા, ફતેહ સિંઘના પાછલા જીવનને પણ બતાવવામાં આવી છે કે, તે કેવી રીતે દેશની એજન્સી માટે કામ કરતો હતો. આ ફિલ્મમાં એક મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યો છે જે ખરેખર વધતી જતી ટેક્નોલોજીને કારણે લોકો માટે ખતરારૂપ છે. તેમાં સાયબર ફ્રોડ, ડીપફેક વીડિયો જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.
સોનુ સૂદે પ્રથમવાર દિગ્દર્શક તરીકે માત્ર ફિલ્મ નિર્માણની કળા જ નહીં પરંતુ તેના દુશ્મનોના શરીરને પણ હેક કર્યા છે. પરંતુ સૂદની શાનદાર એક્શન કુશળતાને કારણે તમે ક્યારેય તેની ક્ષમતા પર પ્રશ્ન નહીં કરો.
આ ફિલ્મમાં ઘણી એક્શન સીક્વન્સ અને ફાઈટિંગ સ્ટાઈલ હોલીવૂડના પાત્રો જોન વિક અને રણબીર કપૂરની એનિમલની યાદ અપાવે છે. ફિલ્મની નાની નાની બાબતો પણ હસાવે છે. ફિલ્મના અંતમાં હની સિંહનું ગીત ‘હિટમેન’ પણ સામેલ કરવામાં આવ્યું છે. એકંદરે આ ફિલ્મ સોનુ સૂદની કારકિર્દીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે તેવું કહેવાય છે.