રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાનું બોલીવૂડમાં પદાર્પણ થયું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ ઈલુ’થી મનીષાને દેશભરમાં જાણીતી બની ગઇ હતી. મનીષાને ટૂંક સમયમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન મળી ગયું હતું અને તેના કારણે તે અભિમાની પણ બની ગઇ હોવાનું ખુદ મનીષાએ સ્વીકાર્યુ હતું.
1991માં પ્રથમ ફિલ્મથી લઇને ગત વર્ષે રીલીઝ થયેલી વેબસિરીઝ ‘હીરામંડી’ સુધી મનીષાએ દરેક રોલમાં પોતાની છાપ છોડી છે. 33 વર્ષ કરતાં વધુ સમયથી બોલીવૂડ સાથે સંકળાયેલી મનીષાને ભૂતકાળની પોતાની ભૂલો પર પસ્તાવો છે. જો કે આ ભૂલો એટલી મોટી નહીં હોવાનું મનીષા માને છે. મનીષાએ કહ્યું હતું કે, તેની પસંદગીઓ વ્યક્તિગત વધારે હતી અને ઈરાદો નહીં હોવા છતાં અન્ય લોકોને તેના કારણે દુઃખ થયું હતું.
મનીષા માને છે કે, જીવનમાં દરેક પગલું ભરતી વખતે સંવંદનશીલ નિર્ણય લેવો જોઈએ અને સફળતા બાદ પણ નમ્ર અને વિવેકી રહેવું જોઈએ. મનીષા કોઈરાલાનું વ્યક્તિગત જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. અન્ય કલાકારો સાથેના તેના સંબંધ ખાસ ટક્યા નહોતા અને લગ્ન જીવન પણ લાંબુ ચાલી શક્યું નહીં. તેને કેન્સર પણ થયું હતું. હવે તે કેન્સરને માત આપી ફરી સારી રીતે કામ કરવા ઇચ્છે છે. મનીષાએ કહ્યું હતું કે, જીવનમાં સાથીદાર નહીં મળે તો ચાલશે, પરંતુ વર્તમાન જીવન જળવાઈ રહેવું જોઈએ. જીવનની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વગર સાથીદાર મળતો હોય તો તેને સ્વીકાર્ય છે.