ભારતીય લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે એક રીસેપ્શનમાં જણાવ્યું હતું કે “યુકેના અગ્રણી સંસદસભ્યો સાથે મારે સારો સંવાદ થયો હતો અને તેમણે ભારતના લોકશાહી મૂલ્યો અને વિકાસની વાર્તામાં મજબૂત વિશ્વાસ દર્શાવ્યો હતો.” તેમણે યુકેના હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ અને સંસદના અન્ય સભ્યો સાથેના સંવાદો અંગે માહિતી આપતા કહ્યું હતું કે અમારી વાતચીતોએ ભારત-યુકે સંસદીય સહયોગની મજબૂતાઈ અને અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીના બહુપક્ષીય સ્વભાવને પ્રકાશિત કર્યો હતો.
બિરલાએ કહ્યું હતું કે “આપણી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક છે, જેણે વિશ્વભરમાં લોકશાહીમાં વિશ્વાસને મજબૂત બનાવવામાં મદદ કરી છે. અમને વિશ્વના સૌથી મોટી લોકશાહી તરીકે ગર્વ છે. હું આપણા બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ભારતની નવી સંસદની મુલાકાત લેવાનું આમંત્રણ આપું છું. આપણા દેશની પ્રગતિનો દર અન્ય ઘણા દેશો કરતાં પણ વધુ છે અને આગામી વર્ષોમાં, ભારત રોકાણ આકર્ષવામાં ટોચના દેશ તરીકે પોતાની છાપ છોડશે. 21મી સદીના આગામી દાયકાઓ ભારતના છે. વિશ્વભરના વિવિધ દેશોમાં રહેતા ભારતીયોનું વિકસીત ભારત તરફ મહત્વપૂર્ણ યોગદાન છે. વડા પ્રધાન મોદી દ્વારા નિર્ધારિત આ ધ્યેય તરફ ડાયસ્પોરાના પ્રયાસો અને પ્રેમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ જણાવ્યું હતું કે “આ મુલાકાત અમારા માટે વર્ષની ખૂબ જ ખાસ અને લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ખૂબ જ મહત્વપૂર્ણ મુલાકાત છે અને 17 વર્ષમાં પહેલી વાર ભારતની લોકસભાના સ્પીકર યુકેની મુલાકાતે આવ્યા છે. આપણી પાસે એકસાથે ઉજવણી કરવા માટે ઘણી બધી બાબતો છે અને જે બાબતો ખરેખર આપણને એક સાથે જોડે છે તે છે વડા પ્રધાન મોદીએ ડાયસ્પોરાને 2015માં જીવંત પુલ તરીકે વર્ણવ્યું હતું.’’
કોટાના ભાજપના સાંસદ બિરલાનું બ્રિટિશ રાજસ્થાની સમુદાયના વિશાળ જૂથ દ્વારા સ્વાગત કરાયું હતું. લોકસભાના સ્પીકર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ગર્નસી ટાપુની મુલાકાતે આવ્યા હતા અને મંગળવારે નોર્થ લંડનમાં આંબેડકર મ્યુઝિયમ ખાતે ભારતીય બંધારણના મુખ્ય શિલ્પીનું સન્માન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી.
યુકેના મિનિસ્ટર ફોર ઇન્ટરગવર્નમેન્ટલ રીલેસનન્સ પેટ મેકફેડન સાથેની તેમની મુલાકાતમાં મુક્ત વેપાર અને વિનિમય, મજબૂત આર્થિક સંબંધો, માહિતી ટેકનોલોજી, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (AI) અને સર્જનાત્મકતા જેવા વિષયો આવરી લેવાયા હતા.
બિરલા સ્કોટિશ સંસદના પ્રિસાઇડિંગ ઓફિસર, એલિસન જોનસ્ટોન અને ફર્સ્ટ મિનીસ્ટર જોન સ્વિની અને સ્કોટિશ સંસદના અન્ય ક્રોસ-પાર્ટી સભ્યો (MSPs) સાથે વાતચીત કરી હતી. તેમણે ગર્નસીમાં 2026માં ભારતમાં યોજાનારી 28મી CSPOC ના યજમાન તરીકે કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ (CSPOC) ની કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.