યુકેએ ગુરુવારે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા, અનિયમિત માઇગ્રેશન, સંગઠિત ઇમિગ્રેશન ગુનાઓને લક્ષ્ય બનાવવા અને લોકોની તસ્કરી કરનાર ગુનાખોર ગેંગ્સનો સામનો કરવા વિશ્વના પ્રથમ એવા નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. નવા સ્વતંત્ર પ્રતિબંધો અને આવા કાર્યોને પ્રોત્સાહન આપતા ગેરકાયદેસર નાણાંને રોકવા અને અધિકારીઓને ખતરનાક મુસાફરીને સક્ષમ બનાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓને લક્ષ્ય બનાવવા મદદ કરશે.
નવા પ્રતિબંધો એક વર્ષની અંદર અમલમાં આવે તેવી અપેક્ષા છે. સરકારના નિષ્ણાતો લૉ એન્ફોર્સમેન્ટ અને હોમ ઓફિસના અધિકારીઓ મુક્તમને કામ કરી શકશે.
વડા પ્રધાન કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે “આપણે આપણી સરહદોના ભંગને સરળ બનાવતી ગુનાખોર ગેંગને તોડી નાખવી જોઈએ. યુરોપમાં સંવેદનશીલ લોકોને ઘુસાડતા ગેરકાયદેસર જૂથોને નાબૂદ કરીને, અમે પરિવર્તન માટેની અમારી યોજનાને પૂર્ણ કરીશું અને યુકેની સરહદોને સુરક્ષિત કરીશું. અમે કોઈ કસર છોડીશું નહિં અને સરહદોનું રક્ષણ કરવા માટે અમારી શક્તિમાં હશે તે બધું કરીશું.”
લેબર સરકારની પરિવર્તન માટેની આ યોજના ઇંગ્લિશ ચેનલ પાર કરીને ખતરનાક નાની હોડીમાં આવતા લોકોને ઘટાડવા અને એસાયલમ માંગતા લોકોને હોટલમાં રાખવાનું સમાપ્ત કરવા માટે રચાયેલ છે.
યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ કહ્યું હતું કે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) ની ભૂમિકા વિના અનિયમિત સ્થળાંતરનો સામનો કરવો એ “સંપૂર્ણપણે અવાસ્તવિક” છે. મને ગર્વ થાય છે કે યુકે વિશ્વનો પ્રથમ દેશ બનશે જે અનિયમિત સ્થળાંતર અને સંગઠિત ઇમિગ્રેશન ગુનાને લક્ષ્ય બનાવતો નવો કાયદો વિકસાવવા માટે તૈયાર છે. તેનાથી યુકેમાં અનિયમિત સ્થળાંતર, લોકોની દાણચોરી અટકાવવા, તેનો સામનો કરવા અને વિક્ષેપિત કરવામાં મદદ મળશે.”
સરકાર આ માટે ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સહિત આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે નજીકથી સહયોગ કરવાની અપેક્ષા રાખે છે.
હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરે કહ્યું હતું કે “સત્તામાં આવ્યા પછી, અમે ગેંગને તોડી પાડવા માટે ઝડપી અને મજબૂત પગલાં લીધાં છે અને ખતરનાક ગુનાહિત નેટવર્કને શોધી કાઢવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે કામ કર્યું છે.”