પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકે સરકારે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને તેમના મૂળ દેશોમાં દેશનિકાલ કરવાના લક્ષ્યાંકને વટાવી દીધો હોવાનો દાવો કર્યો છે અને યુકેમાં રહેવાનો કોઈ અધિકાર ન ધરાવતા 16,400 લોકોને દૂર કરવામાં આવ્યા છે.

ગેરકાયદેસર લોકોને તેમના દેશ પરત મોકલવાની સંખ્યા 12 મહિના પહેલાના સમાન સમયગાળાની તુલનામાં 24 ટકા વધી છે, જેમાં 2,580 વિદેશી ગુનેગારોને દૂર કરવાનો પણ સમાવેશ થાય છે – જે ગયા વર્ષની સરખામણીમાં 23 ટકાનો વધારો દર્શાવે છે.

“બેસ્પોક ચાર્ટર ફ્લાઇટ્સ” દ્વારા ઇમિગ્રેશન અંગેના ગુનેગારોને વિશ્વભરના દેશોમાં પરત મોકલ્યા છે. જેમાં યુકેના ઇતિહાસમાં 800થી વધુ લોકોને લઈ જતી ચાર સૌથી મોટી “રીટર્ન ફ્લાઇટ્સ”નો સમાવેશ થાય છે.

વડા પ્રધાન કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’જુલાઈ 2024ની ચૂંટણી પછી કાઢી મૂકાયેલા લોકોમાં ડ્રગ, ચોરી, બળાત્કાર અને હત્યાના દોષિત ગુનેગારોનો સમાવેશ થાય છે. સરકાર એસાયલમ પ્રોસેસ – ઇમિગ્રેશન અમલીકરણ પર કામ કરવા માટે 1,000 કર્મચારીઓને કામે લગાવીને બેકલોગને દૂર કરી રહી છે જે દેશનિકાલમાં વધારો કરવામાં મદદ કરે છે.”

આ માટે સ્ટાર્મરે આ અઠવાડિયે સિટી ઓફ લંડન પોલીસની મુલાકાત લીધી હતી.

હોમ ઓફિસે જણાવ્યું હતું કે ‘’કાર વોશ, નેઇલ બાર અને બાંધકામ સ્થળો પર દરોડા પાડી ગેરકાયદેસર કામ કરતા લોકો અને શોષણ કરનારા એમ્પલોયર્સ સામેની કાર્યવાહીમાં વધારો કરાયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 32 ટકા વધુ દરોડા પડાયા છે અને 29 ટકા વધુ ધરપકડો થઈ છે. 2025 દરમિયાન ધરપકડ અને કાર્યવાહીને વેગ આપવા માટે ફ્રન્ટલાઈન ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોને બાયોમેટ્રિક કીટ અને બોડી વેર્ન કેમેરા આપવામાં આવશે.”

LEAVE A REPLY