એક સપ્તાહ જેટલા સમયથી કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જેલસ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લપકારા મારી રહેલી જંગલોની ભીષણ આગમાં રવિવાર સુધીમાં 24 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો હતો, તો અહીંના એક વિસ્તારમાં આવેલા હોલિવુડની અનેક સેલેબ્રીટીઝના વૈભવશાળી મહાલયો ભસ્મીભૂત થઈ ગયા હતા. 40,000 એકરના વિશાળ વિસ્તારને ભરખી ગયેલી આગના પગલે એક લાખથી વધુ લોકોને સ્થળાંતરની ફરજ પડી હતી, તો લગભગ બીજા એટલા જ લોકોને સલામત સ્થળોએ ખસી જવાની ચેતવણી આપવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ લોસ એન્જેલસની આજુબાજુના જંગલમાં મંગળવારની રાત્રે લાગેલી ભીષણ આગ પેલિસેડ્સ, ઇટન, કેનેથ અને હર્સ્ટ વિસ્તારમાં વ્યાપક વિનાશ વેરી ચૂકી છે અને હજી પણ તોફાની પવનો ફૂંકાવાની આગાહીના પગલે આગામી દિવસોમાં તે વધુ તબાહી વેરી શકે તેવી દહેશત વ્યકત કરાઈ છે.
હરિકેનના વેગ સાથેના પવનોને કારણે અગ્નિશમની કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો. પ્રેસિડન્ટ બાઇડને મોટી આપત્તિ જાહેર કરી હતી અને ઇટાલીનો પ્રવાસ રદ કર્યો કર્યો હતો.
લોસ એન્જલસ કાઉન્ટીના ફાયર ચીફ એન્થોની મેરોને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બીજા છ રાજ્યોના અગ્નિશામકોને કેલિફોર્નિયામાં મોકલવામાં આવી રહ્યા છે. 1,000 કર્મચારીઓ સાથેની વધારાની 250 એન્જિન કંપનીઓને ઉત્તરી કેલિફોર્નિયાથી દક્ષિણ કેલિફોર્નિયામાં ખસેડવામાં આવી રહી છે.
વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસના લોસ એન્જેલસ ખાતે નિવાસસ્થાને પણ ખાલી કરવાનો આદેશ અપાયો હતો.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે ઇમર્જન્સની જાહેરાત કરી હતી. કેટલાક વિસ્તારોમાં સાંજથી સવાર સુધીનો કરફયુ જાહેર કરાયો હતો, તો આગના શરૂઆતના દિવસોમાં અસામાજિક તત્ત્વો દ્વારા લૂંટફાટ ચલાવાયાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ પણ તહેનાત કરવી પડી હતી.
કેનેડિયન ભારતીય અભિનેત્રી નોરા ફતેહી સ્હેજમાં બચી ગઈ : બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ આ સમયે લોસ એન્જેલસમાં હતી. આગના કારણે નોરા અને તેની ટીમને હોટલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અમેરિકા ગયેલી નોરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર જંગલની આગની એક ઝલક શેર કરી હતી અને પ્રશંસકો તથા ફોલોઅર્સ સાથે અનુભવ શેર કર્યો હતો.
વીડિયોમાં નોરા ફતેહી કહે છે કે, હું એલએમાં છું અને જંગલની આગ ખૂબ ભયાનક છે. મેં આ પહેલા આવું ક્યારેય જોયું નથી. આ ખરેખર ખૂબ ભયાનક છે.
પ્રિટી ઝિન્ટા અને પરિવાર, પ્રિયંકા ચોપરા સલામત : અમેરિકામાં વસી ગયેલી ભારતની બે અભિનેત્રીઓ પ્રિટી ઝિન્ટા અને પ્રિયંકા ચોપરાએ પણ પોતે અને પોતાના પરિવારો આ ભીષણ આગમાં સલામત હોવાનું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા જાહેર કરી આગે વેરેલા વિનાશ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો.
આગના કારણે ઓસ્કારના નોમિનેશન્સની તારીખ લંબાવાઇ : આગની ઘટના પછી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર નોમિનેશન વોટિંગની મુદત લંબાવી છે. અંદાજે 10,000 એકેડેમી સભ્યો માટે મતદાન 8 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને 12 જાન્યુઆરીએ સમાપ્ત થવાનું હતું જે બે દિવસ લંબાવવામાં આવ્યું છે. હવે વૉટિંગ વિન્ડો 14 જાન્યુઆરીએ પૂરી થશે, તેવા અહેવાલો છે.
હોલિવુડ સેલીબ્રીટીઝમાં પેરિસ હિલ્ટન, સ્ટિવન સ્પિલબર્ગ, મેન્ડી મૂર, એશ્ટન કૂચર જેવા સ્ટાર્સનાં ઘર આગમાં ખાખ થઈ ગયા છે. અનેક સેલિબ્રિટીઝે ઘર છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી છે.
