(ANI Photo)

ભારત ગુરુવાર, 16 જાન્યુઆરીએ સફળતાપૂર્વ સ્પેસ ડોકીંગ હાંસલ કરનાર વિશ્વનું ચોથું રાષ્ટ્ર બન્યું હતું. ભારત માટે સ્પેસ ટેકનોલોજીમાં આ એક મોટી સિદ્ધિ છે. ભારત વિશ્વના ઝડપથી વિકસતા $400 બિલિયન સ્પેસ માર્કેટમાં તેનો હિસ્સો વિસ્તારવાની મોટી મહત્ત્વકાંક્ષા ધરાવે છે ત્યારે આ સફળતાનું વિશેષ મહત્ત્વ છે. ભારતે આ સિદ્ધિ હાંસલ કરવા માટે સ્વદેશી રીતે વિકસિત ભારતીય ડોકિંગ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો.

ઇસરોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ સ્પેસ ડોકિંગ પ્રયોગ (SpaDeX) હાથ ધર્યો હતો. ભ્રમણકક્ષામાં જટિલ હિલચાલ પછી ISROના બે ઉપગ્રહો ટાર્ગેટ અને ચેઝર બંને સફળતાપૂર્વક એકબીજા સાથે જોડાયા હતા અને પછી વિખુટા પડ્યા હતા. આ બંને ઉપગ્રહ દરેક લગભગ મોટા રેફ્રિજરેટરના કદના છે.

ચંદ્રયાન-4, ગગનયાન અને ભારતીય સ્પેસ સ્ટેશન જેવા મિશન આ મિશનની સફળતા પર નિર્ભર હતા. ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. ગગનયાન મિશનમાં મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવશે.

ભારતે સ્વદેશી ધોરણે આ સ્પેસ ડોકિંગ ટેકનોલોજી વિકસાવી છે, જે સેટેલાઇટ સર્વિસિંગ, સ્પેસ સ્ટેશનની કામગીરી અને આંતરગ્રહીય મિશન માટે નિર્ણાયક છે. ભારતીય એસ્ટ્રોફિઝિસ્ટ જયંત મૂર્તિએ જણાવ્યું હતું કે સ્પેસ સ્ટેશન બનાવવા જેવા વિવિધ સ્પેસ મિશન માટે અવકાશમાં એસેમ્બલીની જરૂર છે, જે સ્પેસ ડોકીંગ વિના શક્ય નથી. ભારતે 30 ડિસેમ્બરે સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું હતું અને ગુરુવારે સ્પેસ ડોકિંગ કરવામાં સફળતા મેળવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ કરીને ISRO અને સમગ્ર અવકાશ સમુદાયના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતાં અને તેમણે જણાવ્યું હતું કે “આગામી વર્ષોમાં ભારતના મહત્વાકાંક્ષી અવકાશ મિશન માટે તે એક મહત્વપૂર્ણ પગલું છે.”

LEAVE A REPLY