ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી સપ્તાહથી પ્રવાસી ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ ટી-20ની સીરીઝ માટેની ટીમની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય આકર્ષણ મોખરાની હરોળના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર યાદવના સુકાનીપદ હેઠળની ટીમમાં ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સમાવેશ હોવા છતાં ઉપસુકાનીપદ બીજા ગુજરાતી ખેલાડી – સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને સોંપાયું છે.
ઈજા અને પગમાં ઓપરેશનના કારણે શમી 2023માં વન-ડે વર્લ્ડ કપ પછી ભારતીય ટીમમાં રમી શક્યો નહોતો. આ રીતે, 14 મહિના પછી શમીની ટીમમાં વાપસી થઈ છે.
સંજુ સેમસન વિકેટકીપર રહેશે, આ સીરિઝ માટે બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલની પસંદગી કરાઈ છે.
પાંચ ટી-20 પછી ભારતીય ટીમ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ પણ રમશે.
ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર અને ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
ભારત – ઇંગ્લેન્ડ સીરીઝનો કાર્યક્રમ
પહેલી ટી-20 – કોલકાતા – 22 જાન્યુઆરી
બીજી ટી-20 – ચેન્નાઈ – 25 જાન્યુઆરી
ત્રીજી ટી-20 – રાજકોટ – 28 જાન્યુઆરી
ચોથી ટી-20 – પુણે – 31 જાન્યુઆરી
પાંચમી ટી-20 – મુંબઈ – 02 ફેબ્રુઆરી
પહેલી વનડે – નાગપુર – 6 ફેબ્રુઆરી
બીજી વનડે – કટક – 9 ફેબ્રુઆરી
ત્રીજી વનડે – અમદાવાદ – 12 ફેબ્રુઆરી