પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના બીજા દિવસ 14 જાન્યુઆરીએ પવિત્ર ત્રિવેણી સંગમમાં મકરસંક્રાતિના અવસરે અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ ગંગા નદીમાં ‘અમૃત સ્નાન’ કર્યું હતું. ત્રિવેણી સંગમ ખાતે કુલ 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું હતું. મહાકુંભનું આ પ્રથમ અમૃત સ્નાન હતું. ‘અમૃત સ્નાન’ દરમિયાન ભક્તો પર હેલિકોપ્ટરમાંથી ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી હતી.
સૌ પ્રથમ શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીની અને શ્રી શંભુ પંચાયતી અટલ અખાડાના મહાત્માએ અને નાગા સાધુઓએ સ્નાન કર્યું હતું. મકરસંક્રાતિના દિવસે પ્રથમ ‘અમૃતસ્નાન’ વિશેષ મહત્ત્વ છે. ‘હર હર મહાદેવ’, ‘જય શ્રી રામ’, અને ‘જય ગંગા મૈયા’ ના મંત્રો સાથે શિયાળાની કાતિલ ઠંડીમાં ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું હતું.
નાગા સાધુઓએ તેમની શિસ્ત અને પરંપરાગત શસ્ત્રોની નિપુણતાથી લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. કુશળતાપૂર્વક ભાલા અને તલવારો ચલાવવાથી લઈને ઉત્સાહપૂર્વક ‘ડમરુ’ વગાડીને, સાધુઓએ વર્ષો જૂની પરંપરાઓને જીવંત બનાવી હતી. પુરૂષ નાગા સાધુઓ ઉપરાંત, મહિલા નાગા તપસ્વીઓ પણ મોટા સંખ્યામાં જોવા મળી હતી.
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, મંગળવારે લગભગ 3.5 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું, જે પ્રથમ દિવસના આંકડા કરતાં લગભગ બમણું છે.ત્રિવેણી સંગમના બર્ફીલા પાણી સાથે સવારના 3 વાગ્યાની આસપાસ ‘બ્રહ્મ મુહૂર્ત’માં અમૃતસ્નાનની શરૂઆત થઈ હતી.
મહાનિર્વાણી અખાડાના મહામંડલેશ્વર ચેતનગીરી મહારાજે જણાવ્યું, “પ્રયાગરાજમાં દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે, પરંતુ મહાકુંભ દર 144 વર્ષે 12 પૂર્ણ કુંભ પછી એક વાર થાય છે. આ પવિત્ર પ્રસંગમાં ભાગ લેવો એ ભક્તો માટે એક દુર્લભ આશીર્વાદ છે. 68 મહામંડલેશ્વરો અને મહાનિર્વાણી અખાડાના હજારો સાધુઓ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.”
નિરંજની અખાડાના મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે “નિરંજની અખાડાના પાંત્રીસ મહામંડલેશ્વરો અને હજારો નાગા સાધુઓએ અમૃત સ્નાનમાં ભાગ લીધો હતો.”
નિરંજની અને આનંદ અખાડા પછી, જુના અખાડા, આવાહન અખાડા અને પંચાગ્નિ અખાડાના હજારો સંતોએ તેમનું અમૃતસ્નાન કર્યું હતું.
આ મહાકુંભ 12 વર્ષો બાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે. સંતોનો દાવો છે કે આ આયોજન માટે 144 વર્ષો બાદ એક ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે. આવું મુહૂર્ત દેવો અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથન દરમિયાન બન્યુ હતું. મકર સંક્રાંતિના શુભ અવસર પર ધર્મગુરૂ સ્વામી કૈલાશાનંદ ગિરિએ મહાકુંભ 2025ના પહેલાં અમૃત સ્નાન માટે શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. સનાતન ધર્મના 13 અખાડોના સાધુ-સંતોએ ગંગા, યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમમાં એક-એક કરીને ડૂબકી લગાવી હતી.
કુંભ મેળામાં ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિને આ જન્મના પાપો તેમજ પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.