Prayagraj, India, January 12, 2025. REUTERS/Adnan Abidi

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સોમવાર, 13 ફેબ્રુઆરીથી 45 દિવસના ભવ્ય અને દિવ્ય મહાકુંભનો શુભારંભ થશે. એક જ જગ્યાએ માનવોનો સૌથી મોટો મેળાવડો માનવાવામાં આવતા કુંભમેળામાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ખાતે ‘પૌષ પૂર્ણિમા’ના શુભ અવસર પર પ્રથમ ‘શાહી સ્નાન’ થશે. આ મહાન ધાર્મિક અવસરે આશરે 35 કરો઼ડ લોકો પ્રયાગરાજની મુલાકાતે આવે તેવો અંદાજ છે. આ ભવ્ય પ્રસંગે પ્રયાગરાજ વિશ્વભરના સંતો, મહાત્માઓ, સાધુઓ, યાત્રાળુઓ અને જનતાને આવકારવા માટે સંપૂર્ણ સજ્જ બન્યું છે.

મહાકુંભમેળો સામાન્ય રીતે 12 વર્ષે યોજાતો હોય છે, પરંતુ આ વખતે મહાકુંભના દિવસે 144 વર્ષ પછી દુર્લભ સંયોગ બની રહ્યો હોવાથી આ કુંભમેળાને વધુ શુભ માનવામાં આવે છે. કદાચ તેથી જ ઉત્તરપ્રદેશ સરકારને આ વખતે 35 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજની મુલાકાત લેશે તેવો વિશ્વાસ છે. મહાકુંભના શુભારંભના બે દિવસ પહેલા શનિવારે 25 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. રવિવારે પણ પવિત્ર પાણીમાં પવિત્ર ડૂબકી મારવા લાખ્ખો લોકો એકત્ર થયાં હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે તે આ વખતે એક ભવ્ય મહાકુંભ હશે. દિવ્યતા અને આધ્યાત્મિકતાની સાથે તે આધુનિકતાને પણ પ્રદર્શિત કરશે કારણ કે આ વખતે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સાથેનો એક પ્રકારનો ‘ડિજી-કુંભ’ પણ યોજાઈ રહ્યો છે.

પ્રયાગરાજની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારો મહાકુંભ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે.મહાકુંભ વિશ્વભરના લોકોને તેમની પ્રાચીન પરંપરાઓ અને સાંસ્કૃતિક મૂળ સાથે ફરીથી જોડાવાની તક આપે છે. 10,000 એકર જમીનમાં યોજાનારો મહાકુંભ સ્વચ્છતા, સુરક્ષા અને આધુનિકતા માટે ઉદાહરણીય ધોરણ સ્થાપિત કરશે. ભક્તોની સુવિધા વધારવા માટે ડિજિટલ ટુરિસ્ટ મેપ શૌચાલયોની સ્વચ્છતા પર દેખરેખ રાખશે, જ્યારે સ્માર્ટફોન સાથે સંકલિત AI-સંચાલિત સુરક્ષા સિસ્ટમ સલામતીની ખાતરી કરશે.

આ મહાકુંભમાં વિવિધ સંપ્રદાયોના 13 અખાડાઓ ભાગ લઈ રહ્યા છે, જેઓ કાલાતીત ભારતીય આધ્યાત્મિક માન્યતાઓ વિશે જાણવા માગતા તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રયાગરાજમાં વિવિધ ઓફિસોની દિવાલોને શણગારવામાં આવી છે. દિવાલો પર હિંદુ ધર્મના વિવિધ પાસાઓ, દેવી-દેવતાઓ અને ધાર્મિક ગ્રંથોની કથાઓનું વર્ણન કરાયું છે. શહેરના દરેક ચારરસ્તાઓને નવા રૂપરંગ આપવામાં આવ્યા છે. અહીં ‘કળશ’, શંખ અને સૂર્ય નમસ્કાર વિવિધ મુદ્રા સહિતના ધાર્મિક પ્રતિકો મૂકવામાં આવ્યા છે.

સંગમના એક છેડાથી બીજા છેડા સુધી લોકોની અવરજવરને સરળ બનાવવા માટે સંગમ વિસ્તાર અને ફાફામઉ વચ્ચે 30 ફ્લોટિંગ બ્રિજ બનાવવામાં આવ્યા છે. પવિત્ર શહેરમાં ભક્તોને આવકારવા માટે કેટલાક પ્રવેશ સ્થળો પર વિશાળ ગેટ ઊભા કરાયા છે. એન્ટ્રી ગેટ તેમની અનોખી અને થીમેટિક ડિઝાઈનને કારણે સૌનું ધ્યાન ખેંચે છે.
ડિજિટલ યુગમાં મહાકુંભ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ભક્તો વીડિયો અને ફોટા પોસ્ટ કરીને તેમના અનુભવોનું સોશિયલ મીડિયામાં વર્ણન કરી રહ્યાં છે. ઘણા યુઝર્સ તેમના પરિવારોને વીડિયો કૉલ દ્વારા ગંગાના વર્ચ્યુઅલ ‘દર્શન’ કરાવી રહ્યાં છે.

મેગા પેવેલિયન, લક્ઝરી ટેન્ટ, એર કનેક્ટિવિટીની વ્યવસ્થા
પ્રવાસન મંત્રાલય આ વર્ષે મહાકુંભને માત્ર ધાર્મિક મેળાવડા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક પ્રવાસન માટે પણ એક સીમાચિહ્નરૂપ ઘટના માટેની તૈયારી કરી છે. આ માટે મેગા ‘અતુલ્ય ભારત પેવેલિયન’, લક્ઝરી ટેન્ટ અને હવાઇ મુસાફરીની વ્યવસ્થા કરાઈ છે. મહાકુંભમાં ભાગ લેનારા પ્રવાસીઓ માટે મુસાફરીને સરળ બનાવવા માટે પ્રવાસન મંત્રાલયે એલાયન્સ એર સાથે જોડાણ કર્યું છે, જેથી ભારતભરના અનેક શહેરોમાંથી પ્રયાગરાજ સુધી વિમાન મુસાફરી થઈ શકે છે. વિદેશી પ્રવાસીઓ, વિદ્વાનો, સંશોધકો, ફોટોગ્રાફરો, પત્રકારો, વિદેશી સમુદાય અને ભારતીય ડાયસ્પોરા સભ્યો માટે 5000 ચોરસ ફૂટની જગ્યામાં ‘અતુલ્ય ભારત પેવેલિયન’ બનાવવામાં આવ્યું છે. આ પેવેલિયન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુંભ મેળાના મહત્વને દર્શાવે છે. ITDCએ ટેન્ટ સિટી, પ્રયાગરાજ ખાતે 80 લક્ઝરી એકોમોડેશનની સ્થાપના કરી છે.

વિશ્વનું સૌથી મોટા અસ્થાયી સિટી ઊભું કરાયું

મહાકુંભ માટે વિશ્વનું સૌથી મોટું મહાકુંભનગર નામનું અસ્થાયી સિટી ઊભું કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ સમયે 50 લાખથી 1 કરોડ ભક્તો સમાવી શકશે. ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, કુંભમેળા માટે 45,000 પોલીસ કર્મચારીઓની તૈનાતી સાથે 55થી વધુ પોલીસ સ્ટેશનો ઊભા કરાયા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે માટે સોશિયલ મીડિયા પર સતત દેખરેખ રખાશે.

 

LEAVE A REPLY