
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થવાના બે દિવસ પહેલા શનિવારે લગભગ 25 લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી.સવારે ગાઢ ધુમ્મસ હોવા છતાં મેળા વિસ્તારમાં ભક્તોની ભીડ ઉમટી હતી. મહાકુંભનો 13 જાન્યુઆરી પ્રારંભ થઈ રહ્યો છે અને આગામી 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે લોકો પવિત્ર ડુબકી લગાવશે.
ગયા કુંભ (2019)માં કુલ 25 કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. રાજ્ય સરકારને આશા છે કે આ વર્ષે આ આંકડો 45 કરોડને પાર કરી જશે.
આ મહાકુંભમેળો 13મી જાન્યુઆરીના દિવસે પોષ પૂર્ણિમાથી 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિ સુધી ચાલશે.પ્રયાગરાજમાં ગંગા કિનારે સંગમ પર દર બાર વર્ષે યોજાતા આ મેળા માટે આખા દેશમાં ઉત્સાહનો માહોલ છે.
કુંભમેળામાં લાખો ભક્તો ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળમાં ડૂબવા માટે ’ત્રિવેણી સંગમ’માં આવે છે. આ આત્માના શુદ્ધિકરણનું પ્રતીક છે અને માનવામાં આવે છે તેમ, મોક્ષ અથવા આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રદાન કરે છે.
મહાકુંભ 2025 માટે આવનારા કરોડો ભક્તોને ધ્યાનમાં રાખીને રાજ્યની સરકાર હવે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર જ ત્રિવેણીસંગમનું પાણી આપશે, જેની જવાબદારી સ્વસહાય જૂથની મહિલાઓને સોંપવામાં આવી છે.
જગતના સૌથી મોટા આ ધાર્મિક મેળામાં શ્રદ્ધાળુંઓ માટે સૌથી મોટુ આકર્ષણ હોય છે ગંગા નદીમાં પવિત્ર સ્નાન, તદુપરાંત મેળામાં આવતા સાધુઓનું તેમને મન વિશેષ મહાત્મ્ય ધરાવે છે. આ સાધુઓ ક્યાંથી આવે છે? તેમની રહેણીકહેણી કેવી છે? અને કુંભ મેળો પૂરો થાય પછી ક્યાં ચાલ્યા જાય છે તે કોઈ જાણતું નથી. કુંભમેળામાં ભારતભરનાં હિંદુધર્મના લગભગ બધા જ સંપ્રદાયનાં સાધુઓ પધારે છે.
