લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રો ઘરે-ઘરે જાણીતા થઇ ગયા છે. તેમાં ટપુ, જેઠાલાલ અને દયા ખૂબ પ્રસિદ્ધ થયા છે. 2018માં દિશા વાકાણીએ મેટરનિટી લીવ સાથે શોમાંથી વિદાય લીધી હતી. ત્યાર પછી વારંવાર તેઓ પરત આવી રહ્યા છે તેવી અટકળો વહેતી થઇ હતી. આ અંગે શોના નિર્માતા અસિત મોદીએ વારંવાર એવું પણ કહ્યું હતું કે તેઓ દયાબેનને પાછા લાવવાના પુરતા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે, હવે તેઓ કહી રહ્યા છે કે દયાના પાત્રમાં દિશા વાકાણી જોવા મળશે નહીં.
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ સ્વીકાર્યું હતું કે, આ પાત્ર શો માટે ઘણું મહત્વનું છે અને તેમને પરત લાવવા ખૂબ જરૂરી હતા, જેમાં તેમના તરફથી ઘણો વિલંબ થયો છે. અસિત મોદીએ કહ્યું, “દયાબેનને પાછા લાવવા જરૂરી છે કારણ કે અમે પણ એમને મિસ કરીએ છીએ. જોકે, તેમણે એમ પણ જાહેર કર્યું છે કે, દિશા વાકાણી હવે શોમાં પાછા નહીં આવે, તે અત્યારે તેમના બંને બાળકો સાથે વ્યસ્ત છે. હું હજુ પણ પ્રયત્નો કરી રહ્યો છું. મને લાગે છે કે દિશા હવે પાછી ન આવી શકે. એને બે બાળકો છે. એ મારી બહેન જેવી છે. આજે પણ અમારે તેના પરિવાર સાથે ઘણા સારા સંબંધો છે. મારી બહેન દિશાએ મને રાખડી બાંધી છે. એનો ભાઈ અને પિતાજી પણ મારા પરિવાર જેવા છે. તમે 17 વર્ષ સુધી એકસાથે કામ કરો, તો પછી એ તમારો એક વિસ્તૃત પરિવાર બની જાય છે. તેના માટે હવે પાછા આવવું અઘરું છે. મહિલાઓ માટે, લગ્ન પછી જીવન બદલાઈ જાય છે. કામ કરવું, બાળકોનું ધ્યાન રાખવું અને ઘર સંભાળવાનું તેમના માટે અઘરું બની જતું હોય છે. જો કે હું હજુ પણ આશાવાદી છું. મને હજુ ક્યારેક લાગે છે કે ભગવાન ચમત્કાર કરશે અને એ પાછા આવી જશે. જો એ આવે તો સારી વાત છે. જો એ ન આવે તો મારે બીજા દયાબેની શોધ કરવી પડશે.” આસિત મોદી દયાના પાત્ર માટે ઓડિશન કરી રહ્યા છે.