યુકેમાં કાયદેસરના માઇગ્રેશનને ઘટાડવા માટે કડક પ્રતિબંધો લાગુ થયા પછી દેશમાં વર્ક અને સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં અંદાજે 400,000નો ઘટાડો નોંધાયો છે. આ અંગેના હોમ ઓફિસના હંગામી આંકડા દર્શાવે છે કે, એપ્રિલ અને ડિસેમ્બર 2024 વચ્ચે 547,000 વિઝા એપ્લીકેશન મળી હતી, જેની સંખ્યા 2023ના આ જ સમયગાળામાં 942,500 હતી. દેશમાં આવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ અને વિદેશી કેર વર્કર્સની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાને કારણે 395,100 લોકો અથવા 42 ટકાનો ઘટાડો થયો છે. બ્રિટનમાં કાયદેસર રીતે આવી રહેલા લોકોની રેકોર્ડ સંખ્યા ઘટાડવાના દબાણ વચ્ચે ગત કન્ઝર્વેટિવ સરકારે ગયા વર્ષે જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ધીમે ધીમે લાદેલા પ્રતિબંધોમાં પરિવારના આશ્રિતોને લાવવા માટે વિદેશી કેર વર્કર્સ પર નિયંત્રણ અને કુશળ વર્કર્સ માટે પગાર મર્યાદા 38,700 પાઉન્ડ સુધી વધારવાનો સમાવેશ થાય છે.
આ નિયંત્રણનો હેતુ આવનારા વિદેશીઓની સંખ્યામાં વાર્ષિક 300,000નો ઘટાડો કરવાનો હતો. અન્ય સુધારાઓનો અર્થ એ થયો કે વિદેશી વિદ્યાર્થીઓને તેમના પરિવારને યુકેમાં લાવતા અટકાવવામાં આવ્યા અને રાષ્ટ્રીય સરેરાશથી ઓછી આવક મેળવતા બ્રિટિશરો માટે વિદેશી જીવનસાથીઓને લાવવાનું મુશ્કેલ બન્યું છે.
આ નીતિ આધારિત ફેરફારોથી ચેતવણી મળી હતી કે, યુનિવર્સિટીઓ અને કેર ઇન્ડસ્ટ્રીને સંઘર્ષ કરવો પડી શકે છે. તાજેતરમાં જાહેર થયેલા નવા આંકડાઓમાં પીએ ન્યૂઝ એજન્સી વિશ્લેષણ પ્રમાણે, મુખ્ય અરજદારો અને આશ્રિતો માટે વિઝા એપ્લીકેશનમાં 42 ટકાનો એકંદર ઘટાડો ઉપલબ્ધ ઇમિગ્રેશન પેપર્સની વિવિધ શ્રેણીઓમાં ઘટાડાની સંખ્યામાં મોટા તફાવતને ઉજાગર કરે છે.