પાર્ટીમાં આંતરિક વિરોધ અને નીચા પબ્લિક ઓપિનિયન રેટિંગ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આ સપ્તાહે લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપે તેવી અપેક્ષા છે. જોકે પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપ્યા પછી ટુડ્રો તરત વડાપ્રધાન પદ છોડશે કે નવા નેતાની પસંદગી થાય ત્યાં સુધી રાહ જોશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.
ગ્લોબ એન્ડ મેઇલ અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 2015થી કેનેડાના વડાપ્રધાન રહેલા ટ્રુડો ક્યારે રાજીનામું આપશે તે સ્પષ્ટ નથી, પરંતુ બુધવારે નેશનલ કોકસની બેઠક પહેલાં રાજીનામું આવે તેવી અપેક્ષા છે. તાજેતરમાં વડાપ્રધાન સાથે વાતચીત કરનારા એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, 53 વર્ષીય ટ્રુડોને સમજાયું છે કે તેઓ લિબરલ કોકસને મળે તે પહેલાં રાજીનામું આપી શકે છે, જેથી એવું ન લાગે કે તેમના પોતાના સાંસદોએ તેમને હાંકી કાઢ્યાં છે.
ટ્રુડોની જગ્યાએ પાર્ટી તેના નવા નેતા કોને બનાવશે તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. લિબરલ પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ નવા નેતાની પસંદગી કરશે. તેની બેઠક આ સપ્તાહે યોજવાની ધારણા છે. નેશનલ કોકસ પછી નેશનલ એક્ઝિક્યુટિવની બેઠક યોજાશે.
એક સ્ત્રોતે રવિવારે જણાવ્યું હતું કે તેઓ માને છે કે નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો તેમના પદ પર રહેશે.
પાર્ટી પાસે બે વિકલ્પો છે. પ્રથમ વિકલ્પ નેશનલ કોકસની ભલામણ પર વચગાળાના નેતાની પસંદગી કરવાનો છે. બીજો વિકલ્પ નવા નેતા માટે ટૂંકી ચૂંટણી યોજવાનો છે. નેતૃત્વની હરીફાઈ માટે વડાપ્રધાને ગવર્નર-જનરલ મેરી સિમોનને સંસદ સ્થગિત કરવાનો અનુરોધ કરવો પડશે. જોકે બંધારણીય નિષ્ણાતો કહે છે કે ગવર્નર જનરલ આ ભલામણને સ્વીકારે તેની કોઇ ગેરંટી નથી.
કેનેડામાં ટ્રુડોની લોકપ્રિયતામાં સતત ઘટાડા વચ્ચે તેમના રાજીનામાના રીપોર્ટ આવ્યા છે. કેનેડામાં ઓક્ટોબરના અંત સુધીમાં ચૂંટણી નિર્ધારિત છે. પબ્લિક ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે પિયર પોઈલીવરેની કન્ઝર્વેટિવ પાર્ટી સામે લિબરલનો સફાયો થશે.