ભારતના 14મા વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી સ્વ. ડો. મનમોહન સિંઘનો પાર્થિવ દેહ આજે દિલ્હીમાં નિગમબોઘ ઘાટ ખાતે પંચ મહાભૂતમાં વિલિન થઇ ગયો હતો ડો. સિંઘનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાતે દિલ્હીની એઈમ્સમાં નિધન થયું હતું. સ્વ. ની અંતિમ સંસ્કાર વિધિમાં પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ, ભૂતાનના રાજા, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, અનેક કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો, કોંગ્રેસ સમર્થિત રાજ્યોના મુખ્ય પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ સહિત ઉચ્ચ નેતાઓ, કાર્યકરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે સવારે કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે સદગતના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો. ત્યાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર પછી નિગમ બોધ ઘાટ લઈ જવામાં આવ્યો હતો. ડો. સિંઘના દેહને ત્રણેય સેનાના વડાઓએ સલામી આપી હતી અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ભારત સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. દેશ-વિદેશના અનેક દિગ્ગજ નેતાઓ અને અગ્રણીઓએ ડો. સિંઘની કામગીરીને બિરદાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. ડો. મનમોહન સિંઘ દેશના પ્રથમ શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા.
ગુરુવારે રાત્રે ડો. સિંઘનું નિધન થયા પછી તેમના પાર્થિવ દેહને તેમના દિલ્હીમાં મોતીલાલ નહેરુ રોડસ્થિત બંગલા નં.-3માં લઇ જવામાં આવ્યો હતો. ડો. સિંઘના પરિવારમાં પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દામન સિંહ અને અમૃત સિંઘનો સમાવેશ થાય છે. તેમની બે પુત્રીઓ અમેરિકામાં હતા, જેઓ શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચી ગયા હતા.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)