ગ્રાહક સુરક્ષા દિને કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા માટે AI આધારિત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન, ઈ-મૈપ પોર્ટલ અને ‘જાગો ગ્રાહક જાગો’ મોબાઈલ એપ્લિકેશન સહિતની નવી પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રિલાયન્સ રિટેલ, ટાટા સન્સ અને ઝોમેટો સહિતના અગ્રણી ઇ-કોમર્સ કંપનીએ ગ્રાહક સુરક્ષાનો સંકલ્પ કર્યો હતો.
નેશનલ કન્ઝ્યુમર ડે ઈવેન્ટમાં જોશીએ જણાવ્યું હતું કે ગ્રાહક વિવાદોના ઝડપી નિરાકરણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન નેશનલ કમિશનમાં દાખલ થયેલા 3,628 કેસમાંથી 6,587 કેસનો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દેશની ત્રિ-સ્તરીય ગ્રાહક અદાલત સિસ્ટમ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.
ઈ-કોમર્સ સંબંધિત વધતી જતી ચિંતાઓ અંગે પ્રધાને જણાવ્યું હતું કે ડિજિટલ ક્રાંતિ અવિશ્વસનીય તકો ઓફર કરે છે, ત્યારે ભારત સરકાર માને છે કે ગ્રાહકોના આત્મવિશ્વાસ વધારો થાય અને તેઓ જાણકાર પસંદગી કરી શકે તે પણ એટલું જ મહત્ત્વનું છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ભ્રામક જાહેરાતોને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે. આ ઉપરાંત હાલના નિયમોનું પાલન ન કરવા બદલ 13 કંપનીઓને નોટિસ આપી છે.