અદાણી ગ્રુપ સંબંધિત હિન્ડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આધારે થયેલી ભ્રષ્ટાચારની ફરિયાદના મામલે લોકપાલે સેબીના વડા માધવી પુરી બૂચ તથા ફરિયાદકર્તા ટીએમસી સાંસદ મહુવા મોઈત્રાને મૌખિક સુનાવણી માટે 28 જાન્યુઆરીએ હાજર રહેવાની નોટિસ આપી હતી.
કેસની સુનાવણી કરતાં લોકપાલે જણાવ્યું હતું કે આરપીએસ (પ્રતિવાદી જાહેર સેવક)એ 7.12.2024ના રોજ એફિડેવિટ દ્વારા સમયસર તેમનો જવાબ દાખલ કર્યો હતો, જેમાં પ્રારંભિક મુદ્દા ઉઠાવ્યાં હતાં અને આરોપવાર સ્પષ્ટતા આપી હતી. લોકપાલના અધ્યક્ષ જસ્ટિસ એ એમ ખાનવિલકર અને બીજા પાંચ સભ્યોના હસ્તાક્ષર સાથેના 19 ડિસેમ્બરના આદેશમાં જણાવાયું હતું કે RPS તેમજ ફરિયાદીઓને ફરિયાદો અથવા એફિડેવિટના સંદર્ભમાં તેમનું વલણ સમજાવવા માટે મૌખિક સુનાવણીની તક આપવામાં આપવામાં આવે છે.
લોકપાલે 28 જાન્યુઆરીએ આ પક્ષકારોને મૌખિક સુનાવણીમાં હાજર રહેવાની નોટિસ આપવા તેની રજિસ્ટ્રરીને સુચના આપી હતી.
આદેશમાં જણાવાયું છે કે પક્ષકારો મૌખિક સુનાવણીના સમયે તેમના વકીલો હાજર રાખી શકે છે. બૂચે આ મામલે રજૂ કરેલી એફિડેવિટની કોપી પણ સંબંધિત ફરિયાદીઓને રવાના કરાશે. જોકે ફરિયાદીઓએ એફિડેવિટની સામગ્રી અને આ સમગ્ર પ્રક્રિયાની ગોપનીયતા જાળવી રાખવી પડશે. આ મામલાની વધુ સુનાવણી 28 જાન્યુઆરી સવારે 11.30 વાગ્યે થશે.
અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગે તેના રીપોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે બૂચ અને તેમના પતિ વિદેશી ફંડમાં હિસ્સો ધરાવે છે અને અદાણી ગ્રુપમાં નાણાની હેરફાર માટે આ વિદેશી ફંડનો ઉપયોગ થયો હતો. જોકે દંપતીએ આરોપોને નકારી કાઢ્યા હતાં અને જણાવ્યું હતું કે શોર્ટ સેલર કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરની વિશ્વસનીયતા પર હુમલો કરી રહ્યો છે અને ચારિત્ર્ય હનનો પ્રયાસ કરી કરી રહ્યું છે.