કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સોમવારે શિક્ષણ નીતિમાં મોટો ફેરફાર કરીને ‘નો ડિટેન્શન પોલિસી’ સમાપ્ત કરી દીધી હતી. આનાથી હવે ધોરણ-5 અને ધોરણ-8માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં અને પ્રમોશન મળશે નહીં. ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે.
શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આ ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 3,000થી વધુ શાળાઓને લાગુ થશે, જેમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓનો સમાવેશ થાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી નીતિનો હેતુ વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં અને શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરવાનો છે. આ નીતિ અંગે ઘણા વર્ષોથી ચર્ચાઓ ચાલતી હતી, જોકે હવે નવા નિયમ મુજબ ધોરણ-5 અને ધોરણ-8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનારા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભણતરમાં વધુ સુધારો થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે બાળકોમાં શિખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.