ગુજરાત સરકારે મંગળવારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાના ઘટાડાની જાહેરાત કરી હતી. ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ઈંધણ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાથી આશરે 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે. આનાથી વીજ ગ્રાહકોને ઑક્ટોબરથી ડિસેમ્બર 2024 સુધીમાં તેમના વીજળીના વપરાશ પર 1,120 કરોડની કુલ રાહત મળશે.
સરકારે ઑક્ટોબર 2024થી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો હતો અને બીજો સુધારો ના થાય ત્યાં સુધી તે ચાલુ રહેશે. સરકારના આ નિર્ણયથી દર મહિને આશરે 100 યુનિટ વીજળીનો વપરાશ કરતાં ગ્રાહકોને રૂ.50થી 60 સુધીની બચત થશે.