અમેરિકાની અગ્રણી એરલાઇન્સ અમેરિકન એરલાઇન્સે ક્રિસમસની પૂર્વસંધ્યાએ ટેકનિકલ કારણોસર મંગળવારે સવારે તેની તમામ ફ્લાઇટ્સને અટકાવી દેતા લાખ્ખો મુસાફરો ફસાયાં હતાં અને એરપોર્ટ્સ પર અફરા-તફરી મચી હતી. ટેકનિકલ સમસ્યાને કારણે એવિયેશન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ તમામ ફ્લાઇટ્સને જમીન પર રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે આ ટેકનિલકલ સમસ્યા શું હતી તેની કોઇ સ્પષ્ટતા કરાઈ ન હતી.
આશરે એક કલાક સુધીની અરાજકતા પછી અમેરિકન એરલાઇન્સને ફ્લાઇટ્સના ઉડાનની મંજૂરી અપાઈ હતી અને ફરી ફ્લાઇટ્સ સેવા ચાલુ થઈ હતી. એરલાઇન્સની વિનંતીને પગલે સવાર સાત વાગ્યા પહેલા ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને અમેરિકન એરલાઇન્સને તમામ ફ્લાઇટ્ને ગ્રાઉન્ડેડ કરવાનો આદેશ આપ્યો હતો. ટેકનિકલ સમસ્યાને કારણે એરલાઇન્સની સમગ્ર સિસ્ટમને અસર થઈ હતી અને તેનાથી ક્રિસમસ હોલિડેના સમયે લાખ્ખો પ્રવાસીઓ ફસાયા હતાં. આ ગ્રાઉન્ડ સ્ટોપ આદેશ આશરે એક કલાક સુધી ચાલુ રહ્યો હતો. આ ટેકનિકલ સમસ્યા શું હતું તેની કોઇ ચોક્કસ વિગતો જાહેર કરાઈ ન હતી. અમેરિકન એરલાઇન્સમાં દરરોજ લગભગ 5 લાખ મુસાફરો 60 દેશોમાં 350 સ્થળોની મુસાફરી કરે છે.
ક્રિસમસને કારણે આગામી 10 દિવસ સુધી લાખ્ખો પ્રવાસીઓ વિમાનમાં મુસાફરી કરી રહ્યાં ત્યારે આ સ્થિતિ સર્જાઈ હતી. અમેરિકામાં 2 જાન્યુઆરી સુધી આશરે 4 કરોડ લોકો વિમાનમાં મુસાફરી કરે તેવો અંદાજ છે. મોટાભાગની ફ્લાઇટ્સનું સંપૂર્ણ બુકિંગ થઈ ગયું છે.
અગાઉ ડિસેમ્બર 2022માં સાઉથવેસ્ટ એરલાઇન્સની ફ્લાટ્સમાં ટેકનિકલ સમસ્યાને કારણે આશરે 20 લાખ વિમાન મુસાફરો ફસાયાં હતાં. આ ઉપરાંત જુલાઇમાં વર્લ્ડવાઇટ ટેકનોલોજી આઉટેજને કારણે ડેલ્ટા એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. 2020માં ક્રિસમસ દરમિયાન સાઉથવેસ્ટની ફ્લાઇટ્સ ખોરવાઈ હતી અને કંપનીએ 3.5 કરોડનો દંડ ભરવો પડ્યો હતો. કંપની સામે આશરે 14 કરોડ ડોલરના દાવા થયાં હતાં.