હૈદરાબાદમાં પુષ્પા-2’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મોતના કેસમાં પોલીસે ટોચના તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને મંગળવારે ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. થિએટરમાં નાસભાગની આ ઘટના 4 ડિસેમ્બરે બની હતી.
અલ્લુ અર્જુન સવારે 11 વાગ્યા પછી તેના પિતા અલ્લુ અરવિંદ અને વકીલો સાથે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને બપોરે 2.45 વાગ્યા સુધી પૂછપરછ ચાલી હતી. અલ્લુ અર્જુનના એડવોકેટ અશોક રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમણે પોલીસને સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પોલીસે જણાવ્યું હતું કે જો જરૂર હશે તો ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન અલ્લુ અર્જૂન થીએટરમાં આવતા તેના ચાહકો વચ્ચે નાસભાગ થઈ હતી. અભિનેતાએ 21 ડિસેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં નાસભાગની ઘટનાને સંપૂર્ણ રીતે આકસ્મિક ગણાવી હતી અને તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ ફિલ્મ સ્ક્રીનિંગ પહેલાં “રોડશો” કરવામાં આવ્યો હોવાના આક્ષેપને નકારી કાઢ્યાં હતાં.
એક મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બરે શહેર પોલીસે ધરપકડ કરી હતી. તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે તેને ચાર અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા હતાં અને તે જેલમાંથી મુક્ત થયો હતો.