પનામા કેનાલ પર ફરી કબજો મેળવવાની અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા પનામાના પ્રેસિડન્ટ જોસ રાઉલ મુલિનોએ રવિવારે જણાવ્યું હતું કે પનામા કેનાલ અને તેની નજીકના વિસ્તારોનો દરેક ચોરસ મીટર વિસ્તાર પનામાનો છે અને તે પનામાનો જ રહેશે. આનો વળતો જવાબ આપતા ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું હતું કે અમે પછીથી તે જોઈ લઇશું.
અગાઉ ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે ધમકીના સૂરમાં જણાવ્યું હતું કે આપણા નૌકાદળ અને વેપારી જહાજો સાથે ખૂબ જ અયોગ્ય અને અન્યાયપૂર્ણ વર્તન કરવામાં આવ્યું છે. પનામા દ્વારા લેવામાં આવતી ફી હાસ્યાસ્પદ છે. જો પનામા આ કેનાલના “સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય કામગીરી” સુનિશ્ચિત કરી શકતું નથી, તો અમે માંગ કરીશું કે પનામા કેનાલ અમને સંપૂર્ણ રીતે અને કોઈ પ્રશ્ન વિના પરત કરવામાં આવે.
ટ્રમ્પે નહેરની આસપાસ ચીનના વધતા પ્રભાવની પણ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ચીનનો પ્રભાવ અમેરિકન હિતો માટે ચિંતાજનક છે. અમેરિકાના ઉદ્યોગો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો વચ્ચે માલસામાનને ખસેડવા માટે આ ચેનલ પર આધાર રાખે છે. પનામા કેનાલ પરનો અંકુશ માત્ર પનામાનો છે. તેના પર ચીન કે બીજા કોઇનો હક નથી. અમે તેને ખોટા હાથમાં ક્યારેય જવા દઈશું.
પનામા કેનાલનું નિર્માણ અમેરિકાએ 1914 પૂર્ણ કર્યું હતું અને તે સેન્ટ્રલ અમેરિકન દેશને પરત કરવામાં આવી હતી.પનામાએ 1999માં તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. ટ્રમ્પના દાવાને ફગાવી દેતા મુલિનોએ જણાવ્યું હતું કે નહેર પર ચીન, યુરોપિયન યુનિયન, કે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા અન્ય કોઈ શક્તિનું કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ નિયંત્રણ નથી