અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઇન્ડિયન અમેરિકન ઉદ્યોગસાહસિક, વેન્ચર કેપિટાલિસ્ટ અને લેખક શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે વ્હાઇટ હાઉસના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતાં.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા AI અંગે સંખ્યાબંધ નિમણૂકોની જાહેરાત કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે સેવા આપશે.
ક્રિષ્નને અગાઉ માઇક્રોસોફ્ટ, ટ્વીટર, યાહૂ!, ફેસબૂક અને સ્નેપમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કર્યું છે, તેઓ ડેવિડ ઓ. સૅક્સ સાથે કામ કરશે, જેઓ વ્હાઇટ હાઉસ AI અને ક્રિપ્ટો ઝાર હશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ડેવિડ સૅક્સ સાથે નજીકથી કામ કરીને શ્રીરામ એઆઈમાં અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સરકારમાં AI નીતિને આકાર આપવામાં અને સંકલન કરવામાં મદદ કરશે. શ્રીરામે વિન્ડોઝ
એઝુરના સ્થાપક સભ્ય તરીકે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું કે “આપણા દેશની સેવા કરવા અને ડેવિડ સૅક્સ સાથે નજીકથી કામ કરીને AIમાં અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા માટે સક્ષમ થવા બદલ હું સન્માનિત થયો છું.”
કૃષ્ણનની નિમણૂકને ભારતીય અમેરિકન સમુદાય આવકારી હતી. ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે અમે શ્રીરામ કૃષ્ણનને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને તેમમા વ્હાઈટ હાઉસ ઑફિસ ઑફ સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી પૉલિસીમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકેને આવકારીએ છીએ.