પંજાબના ગુરુદાસપુરમાં ગ્રેનેડ હુમલામાં કથિત રીતે સામેલ ત્રણ આતંકવાદીઓને ઉત્તરપ્રદેશ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમ સાથે સોમવારે વહેલી સવારે પીલીભીતમાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે તેને પાકિસ્તાન પ્રાયોજિત ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ મોડ્યુઅલ સામેની એક મોટી સફળતા ગણાવી હતી.
આરોપીઓની ઓળખ ગુરવિંદર સિંહ (25), વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ (23) અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ (18) તરીકે થઈ હતી. આ ત્રણેય પંજાબના ગુરદાસપુરના રહેવાસી હતાં.
આ એન્કાઉન્ટર ઉત્તરપ્રદેશના પીલીભીતના પુરનપુર વિસ્તારમાં થયું હતું.તેમની પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રણેય ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલામાં સામેલ હતાં.
પંજાબમાં એક સપ્તાહમાં ત્રણ પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતાં અને સુરક્ષા એજન્સીઓને ખાલિસ્તાની આતંકવાદીઓની સંડોવણીની શંકા હતી. ગુરુદાસપુરમાં બાંગર પોલીસ ચોકીને શુક્રવારે નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે મંગળવારે અમૃતસરના ઇસ્લામાબાદ પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો હતો. બક્ષીવાલ પોલીસ ચોકીની બહાર પણ બ્લાસ્ટ થયો હતો.