કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનના મુદ્દે વિરોધી દેખાવો હજુ શમ્યા નથી, ત્યારે અમદાવાદમાં બાબા સાહેબની એક મૂર્તિને કેટલાંક અસામાજિક તત્વોએ ખંડિત કરતા દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ડૉ. બાબા સાહેબની પ્રતિમાનો ખંડિત કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું કથિત રીતે નાક તોડી નાંખવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચાલુ કરી હતી.