પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નાણાકીય વર્ષ 2024માં અમેરિકાની સિટિઝનશિપ મેળવવામાં ભારતીયો બીજા સૌથી મોટા ઇમિગ્રન્ટ ગ્રુપ તરીકે ઊભરી આવ્યા છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે ગત વર્ષે 49,700 ભારતીયોએ અમેરિકન સિટિઝનશિપ મેળવી હતી. જે નવા સિટિઝન્સમાં 6.1 ટકા થાય છે.

મેક્સિકનની સંખ્યા સૌથી વધારે રહી હતી. 2024માં જેટલા નવા લોકો યુએસ સિટિઝન્સ બન્યાં તેમાં મેક્સિકનની ટકાવારી 13.1 ટકા રહી હતી. જે વ્યક્તિ યુનાઈટેડ સ્ટેટ્સની બહાર જન્મી હોય તો તે નેચરલાઈઝેશન પ્રોસેસ દ્વારા યુએસ સિટિઝન બની શકે છે. ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA) હેઠળ સ્થાપિત માપદંડોને પૂર્ણ કર્યા પછી લીગલ પરમેનેન્ટ રિસિડેન્ટ્સ યુએસ સિટિઝનશિપ મેળવી શકે છે.

નવેમ્બર 2023થી ઓક્ટોબર 2024ની વચ્ચે જે લોકો યુએસના નવા સિટિઝન બન્યા તેમાં ટોચના પાંચ દેશોમાં મેક્સિકો, ભારત, ફિલિપાઈન્સ, ડોમિનિકન રિપબ્લિક અને વિયેતનામ સામેલ છે. નાણાકીય વર્ષ 2024માં કુલ નેચરલાઈઝ્ડ સિટિઝન્સમાં આ પાંચેય દેશોએ કુલ મળીને 33 ટકાનું યોગદાન આપ્યું હતું. જેમાં મેક્સિકોની ટકાવારી 13.1 હતી જ્યારે ભારતની 6.1 હતી. ફિલિપાઈન્સનું યોગદાન પાંચ ટકા, ડોમિનિકન રિપબ્લિકનનું 4.9 ટકા અને વિયેતનામનું યોગદાન 4.1 ટકા હતું.

USCISના રિપોર્ટના એનાલિસિસમાં જાણવા મળ્યું હતું કે ઈન્ડિયન્સ મુખ્યત્વે કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક અને ઈલિનોય રાજ્યોમાં રહે છે. નેચરલાઈઝેશનમાં આ રાજ્યોનો રેટ સૌથી વધારે છે. આ રાજ્યો ઈન્ડિયન ડાયસ્પોરા કોમ્યુનિટીઝની નોંધપાત્ર હાજરીના કારણે જાણીતા છે.

LEAVE A REPLY