સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેના તીવ્ર વૈમનસ્ય વચ્ચે સંસદના શિયાળુ સત્રને શુક્રવારે અનિશ્ચિત સમયગાળા માટે સમાપ્ત કરાયું હતું. 25 નવેમ્બરે ચાલુ થયેલા સંસદના શિયાળુ સત્રમાં લોકસભાની ઉત્પાદકતા માત્ર 58 ટકા રહી હતી, જ્યારે રાજ્યસભાની ઉત્પાદકતા માત્ર 40.03 ટકા રહી છે. રાજ્યસભામાં માત્ર 43 કલાક અને 27 મિનિટ કામકાજ થઈ શક્યું હતું. નીચી ઉત્પાદકતા માટે સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. સત્ર દરમિયાન, લોકસભામાં પાંચ બિલ રજૂ કરાયા હતાં, જેમાંથી ચારને બહાલી મળી હતી. રાજ્યસભાએ ત્રણ બિલ પાસ કર્યા હતાં
શિયાળુ સત્રના છેલ્લાં દિવસે માટે સંસદની કાર્યવાહી ચાલુ થઈ ત્યારે સત્તાધારી એનડીએ અને વિપક્ષ વચ્ચે કડવાશ ચાલુ રહી હતી. બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાનના મુદ્દે હંગામો ચાલુ રહેતા સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી શરૂ થયાના ત્રણ મિનિટ ગૃહને મોકૂફ રાખ્યું હતું. સ્પીકરે સત્રની મુખ્ય બાબતોનો સારાંશ પણ રજૂ કર્યો ન હતો.
જોકે રાજ્યસભામાં સ્થિતિ થોડી સારી રહી હતી. વિપક્ષે ગૃહ કાર્યવાહી મુલતવી રાખતા પહેલા અધ્યક્ષ જગદીપ ધનખડને વિદાય ટિપ્પણી વાંચવા દીધી હતી. તેમની અંતિમ ટિપ્પણીમાં ધનખડે તમામ પક્ષોને રાજકીય મતભેદોથી ઉપર ઉઠવા અને સંસદીય કાર્યવાહીની પવિત્રતા પુનઃસ્થાપિત કરવાનો અનુરોધ કર્યો હતો. લોકસભાના સ્પીકર બિરલાએ તમામ પક્ષોને સંસદના પ્રવેશદ્વાર પર વિરોધ પ્રદર્શન કરવા સામે ચેતવણી આપી હતી.
શિયાળુ સત્રની શરૂઆત અદાણી મુદ્દે હંગામા સાથે થઈ હતી. વિરોધ પક્ષોના સાંસદોએ મણિપુર અને ખેડૂતોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સત્રના અંત સુધીમાં બાબા સાહેબ આંબેડકર મુદ્દે ભારે હોબાળો થયો હતો. 19 ડિસેમ્બરે સંસદ સંકુલમાં ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી. તેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયાં હતાં. ભાજપે ધક્કો મારવાનો રાહુલ ગાંધી પર આક્ષેપ કરીને . તેમની સામે FIR દાખલ કરી હતી.
સંસદના આ સત્ર દરમિયાન લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન અંગેના બે બિલો રજૂ કરાયા હતા. આ પછી તેને 39 સભ્યોની સંસદીય સમિતિને સોંપવામાં આવ્યાં હતાં.