સ્કોટિશ પાર્લામેન્ટના ભારતીય મૂળના સ્કોટિશ સાસંદ અને હેલ્થ એન્ડ સોસ્યલ કેરના શેડો કેબિનેટ સેક્રેટરી ડૉ. સંદેશ ગુલહાણેએ બુધવારે સ્કોટિશ સંસદમાં જણાવ્યું હતું કે સ્કોટલેન્ડમાં વસતા બીજા સૌથી મોટા ઇમિગ્રન્ટ જૂથ તરીકે ભારતીયોને માન્યતા આપવા સરકારે સાર્વજનિક સંદેશા અને આરોગ્ય વિષયક માહિતી હિન્દીમાં આપવી જોઇએ.
ગ્લાસગોમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં જનરલ પ્રેક્ટિશનર (GP) તરીકે સેવા આપતા મહારાષ્ટ્ર મૂળના ડૉ. સંદેશ ગુલહાણેએ સ્કોટલેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર કેટ ફોર્બ્સને એ સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી કે ‘’જ્યાં આવી માહિતી વૈકલ્પિક ભાષાઓમાં ઉપલબ્ધ છે, ત્યાં હિન્દીનો સમાવેશ પણ કરવો જોઇએ. હિન્દી, ભારતની સત્તાવાર ભાષાઓમાંની એક છે અને સ્કોટલેન્ડમાં હિન્દી બોલનારાઓની સંખ્યા સાથે, વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે.’’
તેમણે કહ્યું હતું કે “NHS હેલ્થ બોર્ડ અને અન્ય જાહેર સંસ્થાઓમાં, જાહેર માહિતી અને સંદેશા વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે પરંતુ હિન્દીમાં નથી. સરકાર વિટામિન ડી માટે ઝુંબેશ ચલાવી રહી છે પરંતુ તેમાં હિન્દીનો સમાવેશ કરાયો નથી.’’
ફોર્બ્સે આ બાબતે જવાબ આપ્યો હતો કે ‘’સરકાર આ અંગે થોડો વિચાર કરશે. હિન્દી ભાષીઓ સ્કોટલેન્ડમાં પ્રચંડ યોગદાન આપે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેમને લાગે કે તમામ સરકારી સામગ્રી તેમની પોતાની ભાષામાં સુલભ છે”.