DISTRAUGHT: Seema Misra; and (right) Vipin Patel (Pic credit: Getty Images)
  • સરવર આલમ દ્વારા

પોસ્ટ ઓફિસ એકાઉન્ટિંગ સ્કેન્ડલના અગ્રણી કેમ્પેઇનરે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’રેસીઝમે મારી ભયાનક અગ્નિપરીક્ષામાં ભાગ ભજવ્યો હતો પરંતુ મને આશા હતી કે તેનો સામનો કરવાનો મારો નિર્ણય એશિયન મહિલાઓ પ્રત્યેની લોકોની કેટલીક ધારણાને બદલશે.’’

ફુજિત્સુ એકાઉન્ટિંગ સૉફ્ટવેર હોરાઇઝન દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીને કારણે 900 થી વધુ સબ-પોસ્ટમાસ્ટરની ખોટી કાર્યવાહીની તપાસ તા. 17ના રોજ મંગળવારે પૂર્ણ થઈ હતી.

2010માં સરેમાં આવેલી પોસ્ટ ઓફિસ શાખામાંથી £75,000ની ચોરીના આરોપસર સબ-પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રાને ખોટી રીતે જેલમાં રખાયા હતા. મિશ્રાના કેસના દસ્તાવેજોમાંથી જણાયું હતું કે તપાસકર્તાએ તેણીને “ભારતીય/પાકિસ્તાની ટાઇપની, એટલે કે એશિયન, વગેરે” તરીકે વર્ગીકૃત કરી હતી.

પાછળથી બહાર આવ્યું હતું કે સ્ટાફને શંકાસ્પદ વ્યક્તિઓને ‘નેગ્રોઇડ ટાઇપ, નાઇજિરિયન, આફ્રિકન, કેરેબિયન ટાઇપ’ વગેરે વંશીય રીતે વર્ગીકૃત કરાયા હતાં.

પૂછપરછમાં હાજરી આપવા ગયેલા 48-વર્ષીય મિશ્રાએ તા. 16ના રોજ એલ્ડવિચ હાઉસ ખાતે જણાવ્યું હતું કે “હું ચોક્કસપણે માનું છું કે પોસ્ટ ઓફિસ ઇન્સ્ટીટ્યુશનલ રીતે રેસીસ્ટ હતી. તેમણે કદાચ વિચાર્યું હશે કે આ ભારતીય મહિલા કેસ હારી જશે, જેલમાં જશે, અને પછી સંતાઈને બોલશે નહીં. આપણી સંસ્કૃતિમાં, જો કોઈ વ્યક્તિ જેલમાં જાય છે, તો તે પોતાનું આત્મસન્માન ગુમાવે છે. સમાજમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ છે.”

પોસ્ટ ઓફિસના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડેવિડ સ્મિથ દ્વારા તેણીને “ટેસ્ટ કેસ” તરીકે ઓળખવામાં આવી હતી તે હકીકત તેના વંશીય પ્રોફાઇલિંગના પુરાવા સૂચવે છે.

મિશ્રા બે મહિનાનો ગર્ભ ધરાવતા હતા ત્યારે તેમને જેલ થઇ હતી અને જો સગર્ભા ન હોત તો તેમણે “ચોક્કસપણે” આત્મહત્યા કરી હોત. કૌભાંડમાં ફસાયેલા ઓછામાં ઓછા ચાર લોકોએ આત્મહત્યા કરી હતી.

મિશ્રાએ ચાર મહિના જેલમાં ગાળ્યા હતા અને બાળકને જન્મ આપતી વખતે પણ ઈલેક્ટ્રોનિક બ્રેસલેટ પહેરીને ચાર મહિના વિતાવ્યા હતા. તેણી પરનો ચુકાદો આખરે 2021માં તેના 40 સાથીદારોની સાથે રદ કરાયો હતો.

1994માં યુકે આવેલા મિશ્રાને ગુમાવેલા નાણાં માટે વચગાળાનું પેમેન્ટ મળ્યું છે અને નોંધપાત્ર વળતર પ્રાપ્ત થશે. પરંતુ તેઓ ન્યાય માટે લડવાનું ચાલુ રાખવા અને જવાબદારોને “જેલના સળિયા પાછળ” જોવા માટે મક્કમ છે.

તેમણે કહ્યું હતું કે “જો આપણે આજે પોસ્ટ ઓફિસને છોડી દઇએ તો કાલે બીજી સંસ્થા પણ આવું જ કરશે. અમે ઈચ્છીએ છીએ કે રોયલ મેઈલ, પોસ્ટ ઓફિસ, સરકારના લોકો સહિત જે કોઇ વ્યક્તિ આ કૌભાંડ માટે જવાબદાર હતા તેમની પૂછપરછ કરવી જોઈએ અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ અને અમે તેના માટે લડી રહ્યા છીએ. હું જે સંદેશ આપવા માંગુ છું તે એ છે કે જો તમે પીડાતા હો, તો ખાતરી કરો કે તમે તમારો અવાજ ઉઠાવશો – છોડશો નહીં.”’’

તેમણે કહ્યું હતું કે ‘’શરૂઆતમાં મને પ્રશ્ન થતો કે ‘કેમ હું?’. પરંતુ હું ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છું અને મેં વિચાર્યું કે કદાચ ભગવાન ઇચ્છે છે કે કેટલાક મજબૂત લોકો પોસ્ટ ઓફિસ સામે લડે અને હું પસંદ કરાયેલ વ્યક્તિ છું. હું ખુશ છું કે ઓછામાં ઓછું મારું જીવન સાચા કારણ માટે લડવા માટે યોગ્ય છે.”

સ્વાભાવે શાંત મિશ્રાને આશા છે કે તેણી સાઉથ એશિયન વારસાની અન્ય મહિલાઓને પ્રેરણા આપી શકે છે.

ઓક્સફર્ડ ક્રાઉન કોર્ટમાં આઠ મહિનાની સસ્પેન્ડેડ સજા મેળવનાર બર્કશાયરના સબ પોસ્ટ માસ્ટર, હસમુખ શિંગાડિયાએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’£16,000ની ચોરીનો આરોપ લાગ્યા બાદ મને આત્મહત્યાના વિચારો આવ્યા હતા. મને £2,000થી વધુ ખર્ચ ચૂકવવા અને 200 કલાકની કોમ્યુનિટી સર્વિસ પૂર્ણ કરવાનો આદેશ અપાયો હતો. જેને 10 વર્ષની કાનૂની લડાઈ પછી, જુલાઈ 2021માં સજાને રદ કરાઇ હતી.’’

શિંગાડિયાએ કહ્યું હતું કે “પૂછપરછમાં જે બહાર આવ્યું છે તે એ છે કે રેસીઝમે ખરેખર એક મોટો ભાગ ભજવ્યો છે. અમને જ્યારે બોલાવ્યા ત્યારે હેલ્પડેસ્ક પરના લોકોનું વલણ રેસીસ્ટ હતું. જે ભાષાનો ઉપયોગ કરાયો હતો તે અપમાનજનક હતો. કેટલાક મેનેજરોનું વલણ સમાન હતું – તેઓ એશિયન અને બ્લેક લોકો સાથે જે રીતે વર્તન કરતા તે શ્વેત લોકોથી અલગ હતું.”

વર્ચસ પટેલના પિતા વિપિન પટેલને ખોટી રીતે છેતરપિંડી માટે દોષી ઠેરવી 2011માં 18 અઠવાડિયાની સસ્પેન્ડેડ જેલની સજા કરાઇ હતી.

વર્ચસે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે ‘’મારા પિતાની અગ્નિપરીક્ષાને કારણે તબિયત ઝડપથી બગડી હતી અને તેઓ હવે માત્ર ક્રૉચ લઈને ચાલી શકે છે. તેઓ ઓક્સફર્ડશાયરના નાનકડા ગામ હોર્સપથમાં રહેતા હતા પણ ત્યાં સ્થાનિક સમુદાય અને પોસ્ટ ઓફિસ ઇન્સેટીગેટર્સ દ્વારા રેસીઝમનો ભોગ બન્યા હતા. હું માનું છું કે ઈર્ષ્યા રેસના એક તત્વ સાથે હતું. સ્થાનિક પેરિશ કાઉન્સિલમાં પણ રેસીઝમના તત્વો હતા. મારી પાસે લીક થયેલા પેરિશ કાઉન્સિલના કેટલાક ઇમેઇલ્સ છે જેમાં કહ્યું હતું કે ‘પૂર્વ એ પૂર્વ છે, પશ્ચિમ એ પશ્ચિમ છે.’ હવે જ્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, ત્યારે ગામની થોડી બહાદુર વ્યક્તિઓએ મને કહ્યું હતું કે જો તમે શ્વેત કે અંગ્રેજ હોત, તો તમારા માતાપિતા સાથે અલગ વ્યવહાર કરાયો હોત. મારા ગામમાં પિતાને વધુ ઉત્પીડન, ધાકધમકી અને દુર્વ્યવહાર મળવામાં તેમની જાતિએ ભાગ ભજવ્યો હતો.”

કોલ સેન્ટરમાં ફુજિત્સુ માટે કામ કરનાર એક વ્યક્તિએ પૂછપરછમાં કહ્યું હતું કે  ‘’જ્યારે પણ સાઉથ એશિયન સબ-પોસ્ટમાસ્ટર ફોન કરતા ત્યારે તેઓ ફોનને નીચે મૂકી દેતા કે લાઇન મ્યૂટ કરી દેતા અને બૂમો પડતી કે ‘મારી પાસે અન્ય સ્કેમિંગ પટેલ છે’.

સર વિન વિલિયમ્સની અધ્યક્ષતા હેઠળની તપાસ, ફેબ્રુઆરી 2022થી ખોટી માન્યતા તરફ દોરી જતા નિર્ણયો પર પુરાવા એકત્ર કરી રહી છે. ભૂતપૂર્વ અને વર્તમાન રાજકારણીઓના પુરાવાઓ, કૌભાંડ દરમિયાન પોસ્ટ ઓફિસના ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ અને ભૂતપૂર્વ સબ-પોસ્ટમાસ્ટર અને પોસ્ટમિસ્ટ્રેસના પુરાવા સહિત તપાસના તમામ તબક્કાઓ પર બંધ નિવેદનો પ્રતિબિંબિત થાય છે.

1999 અને 2015 ની વચ્ચે પોસ્ટ ઑફિસ 700 લોકો પર કાર્યવાહી કરીને ઘણા કેસ કોર્ટમાં લઈ ગઈ હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) સહિત અન્ય સંસ્થાઓ દ્વારા અન્ય 283 કેસ લાવવામાં આવ્યા હતા.

આ તપાસનો અંતિમ અહેવાલ 2025માં આવે તેમ લાગે છે.

આ આક્ષેપો અંગે પોસ્ટ ઓફિસના પ્રતિભાવની રાહ જોવાઇ રહી છે.

LEAVE A REPLY