Sara Sharif (Image credit: Surrey Police)

સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડના વોકિંગમાં ઓગસ્ટ 2023માં પોતાના ઘરમાં ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવેલી 10 વર્ષીય બાળકી સારા શરીફના પિતા ઉર્ફાન શરીફ અને તેની સાવકી માતા બેનાશ બતૂલને સારાની હત્યાના ગુનામાં દોષીત જાહેર કરી તા. 17ને મંગળવારે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

પેરોલ માટે વિચારણા પહેલા શરીફને ઓછામાં ઓછી 40 વર્ષની અને બતુલને ઓછામાં ઓછી 33 વર્ષની કેદ ભોગવવી પડશે. તે સમયે ઘરમાં રહેતા સારાના કાકા, ફૈઝલ મલિકને સારાના મૃત્યુનું કારણ અથવા મંજૂરી આપવા બદલ 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

લંડનની ઓલ્ડ બેઈલી સેન્ટ્રલ ક્રિમિનલ કોર્ટમાં લાંબી સજાની સુનાવણી દરમિયાન જજ પેટ્રિક કેવનાઘે જણાવ્યું હતું કે, “હત્યા કેસમાં સંકળાયેલ ક્રૂરતાની ડિગ્રી લગભગ અકલ્પ્ય છે.”

કોમ્પ્લેક્સ કેસવર્ક યુનિટના CPS નિષ્ણાત પ્રોસીક્યુટર લિબી ક્લાર્કે જણાવ્યું હતું કે, “આપણામાંથી કોઈ કલ્પના પણ ન કરી શકે કે સારાને તેના ટૂંકા જીવનના છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેટલી ભયાનક અને ક્રૂરતાનો સામનો કરવો પડ્યો હતો. તેણીને થયેલી ઇજાઓ એકદમ ભયાનક હતી.”

કેસના વકીલ બિલ એમલિન જોન્સે સુનાવણીમાં જ્યુરીના સભ્યોને કહ્યું હતું કે સારા ગંભીર અને વારંવારની હિંસાનો ભોગ બની હતી અને તેના પર અમાનવીય અત્યાચાર ગુજારાયો હતો. તેના શરીર પર દાઝવાના નિશાન હતા. હાડતા તૂટેલા હતા અને તેને બચકા ભરવામાં આવ્યા હતા. સારાના શરીરની તપાસ કરનારા નિષ્ણાત ડોકટરો અને પેથોલોજિસ્ટ્સને લગભગ 100 અલગ-અલગ આંતરિક અને બાહ્ય ઇજાઓના પુરાવા મળ્યા, જેમાં મગજની આઘાતજનક ઇજા, બહુવિધ તૂટેલા હાડકાં, વ્યાપક ઉઝરડા અને ડાઘનો સમાવેશ થાય છે. સારાને ક્રિકેટ બેટ, વેક્યુમ અને મેટલ પોલ સહિતના સાધનો વડે ઇજાઓ કરાઇ હતી.

સારાની હત્યાના તરત જ બાદ તેનો પરિવાર પાકિસ્તાન ભાગી છૂટયો હતો અને તે દુબઇથી બ્રિટન પરત ફર્યો ત્યારે લંડનના ગેટવિક એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સારાના પિતા ઉર્ફાન શરીફ (43 વર્ષ) અને તેની પત્ની બૈનાશ બતૂલ (30 વર્ષ)એ આરોપ નકારી દીધા હતા. જોકે, જ્યૂરીએ સારાની હત્યા માટે તેમને બંનેને દોષી માન્યા હતા. સારાના કાકાને હત્યા માટે દોષી નહોતો મનાયો પરંતુ તેને સારાનું મોત થવા દેવા માટે દોષી જાહેર કરાયો હતો.

એમલિન જોન્સે જ્યૂરીના સભ્યોને સુનાવણીના પ્રારંભે કહ્યું હતું કે ઉર્ફાને પોલીસને કહ્યું હતું કે તેનો આશય સારાની હત્યાનો નહોતો પરંતુ તેણે પોતાની પુત્રીને ખુબ માર માર્યો હતો. પ્રારંભમાં તેણે જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેણે સ્વીકાર કર્યો હતો કે પુત્રીને શિસ્તમાં રાખવા તેણે સારાને થપ્પડ મારી હતી જોકે તેણે પોતાની પુત્રીને નિયમિત રીતે માર મારવાના આરોપ નકાર્યા હતા.

LEAVE A REPLY