કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બાબા સાહેબ આંબેડકરના કરેલાં કથિત અપમાનના મુદ્દે સતત બીજા દિવસ ગુરુવારે સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ વચ્ચે સંસદમાં ભારે હંગામો થયો હતો. સંસદ સંકુલમાં ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ એકબીજા વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતાં અને તેમાં ધક્કામુક્કી થતાં ભાજપના સાંસદ પ્રતાપચંદ્ર સારંગી, મુકેશ રાજપુત ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.
સારંગીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ધક્કામુક્કીના કારણે તેઓ પડી ગયા હતા. રાહુલે કેટલાક સાંસદને ધક્કો માર્યો હતો. તે સાંસદ તેમના પર પડ્યા હતા, જેના કારણે ઈજા થઈ હતી.
જોકે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું હું સંસદમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો… પરંતુ ભાજપના સાંસદો મને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ મને દૂર ધકેલી દીધો હતો અને ધમકી આપી હતી. પરંતુ અમને આવી ધક્કામુક્કીની અસર થતી નથી. આ સંસદ છે અને અમને અંદર જવાનો અધિકાર છે.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લખેલા પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ દાવો કર્યો હતો કે તેમને ભાજપના સાંસદો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું… (અને) જમીન પર બેસી જવાની ફરજ પડી હતી. આનાથી મારા ઘૂંટણમાં ઈજા થઈ છે, જેની સર્જરી થઈ છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ મંગળવારે રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર અંગે કરેલી ટીપ્પણીના મુદ્દે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે આરપારની લડાઈ છેડાઈ હતી. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ અમિત શાહ પર ચોતરફથી આકરા પ્રહારો કર્યા હતાં અને તેમને પદ પરથી હટાવવાની માગણી કરી હતી. વિપક્ષે આ મુદ્દે સંસદના બંને ગૃહમાં જય ભીમના નારા સાથે હોબાળો કરીને કાર્યવાહી ખોરવી નાંખી હતી અને સંસદ સંકુલમાં પણ બાબા સાહેબના ફોટા સાથે ઉગ્ર વિરોધી દેખાવો કર્યો હતો.
વિવાદ વકરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ અમિત શાહના બચાવમાં આગળ આવ્યાં હતાં અને કોંગ્રેસ પર વળતા હુમલા કરીને કોંગ્રેસને બાબા સાહેબ વિરોધી ગણાવી હતી.
અગાઉ મંગળવારે રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન અમિત શાહે વિપક્ષ પર હુમલા કરતાં જણાવ્યું હતું કે અભી એક ફેશન હો ગયા હૈ – આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. ઇતના નામ અગર ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતાં.
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે બાબા સાહેબ બંધારણના ઘડવૈયા છે, દેશને દિશા આપનાર મહાપુરુષ છે. દેશ તેમનું અપમાન કે તેમના દ્વારા ઘડવામાં આવેલ બંધારણનું અપમાન સહન કરશે નહીં. ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આંબેડકરજીનું નામ લેવાથી વ્યક્તિને અધિકાર મળે છે. આંબેડકરજીનું નામ લેવું એક માનવીય ગૌરવનું પ્રતિક છે. આંબેડકરજીનું નામ કરોડો દલિતો અને વંચિત લોકોના સ્વાભિમાનનું પ્રતિક છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ સંસદ સંકુલમાં ઇન્ડિયાના બ્લોકના નેતાઓ કરેલા વિરોધ પ્રદર્શનની એક પોસ્ટ પણ શેર કરી હતી.
વિપક્ષે અમિત શાહેની આ ટીપ્પણીની તક ઝડપી લીધી હતી અને સરકારને ઘેરી હતી. કોંગ્રેસે આ ટીપ્પણીને સોશિયલ મીડિયામાં પણ વાયરલ કરી હતી.
ગૃહ પ્રધાનની ટીપ્પણીને બાબા સાહેબનું અપમાન ગણાવીને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, AAP, RJD, સપા, શિવસેના (UBT) અને ડાબેરીઓ સહિતના વિપક્ષે સંસદની અંદર અને બહાર અમિત શાહ સામે વિરોધી દેખાવો કર્યા હતાં તથા અમિત શાહની માફી અને રાજીનામાની માગણી કરી હતી.
બીજી તરફ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સડેલી ઇકોસિસ્ટમ અને દૂષિત જૂઠાણા તેના દુષ્કૃત્યોને છુપાવી શકતી નથી. ગૃહપ્રધાને આંબેડકરના અપમાનના વિપક્ષના કાળા ઇતિહાસનો પર્દાફાશ કર્યો છે.
કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ ચેતવણી આપી હતી કે જો અમિત શાહ રાજીનામું નહીં આપે તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. સંસદમાં વિપક્ષના હંગામા પછી દિલ્હીની સડકો પર પણ વિપક્ષે દેખાવો કર્યા હતા. મહારાષ્ટ્ર, બિહાર અને તમિલનાડુ સહિતના રાજ્યોની શેરીઓમાં વિવિધ પક્ષોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં.દિલ્હીમાં AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે સેંકડો સમર્થકો સાથે “અમિત શાહ માફી માંગો, અમિત શાહ શર્મ કરો” ના નારા લગાવીને વિરોધી દેખાવો કર્યા હતાં.