પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં બાઇડન સરકારે H-1B  વિઝાના નિયમોને હળવા કર્યા છે. તેનાથી અમેરિકન કંપનીઓ માટે ખાસ કૌશલ્ય ધરાવતા વિદેશી કામદારોને નોકરીએ રાખવાનું સરળ બનશે તથા F-1 સ્ટુડન્ટ વિઝાને સરળતાથી H-1B વિઝામાં તબદિલ કરી શકાશે. અમેરિકાની આ જાહેરાતથી ભારતના હજારો ટેકનોલોજી પ્રોફેશનલ્સને લાભ થવાની ધારણા છે.

અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)એ મંગળવારે જાહેર કરાયેલા આ નિયમોમાં સ્પેશ્યલ પોઝિશન, નોન પ્રોફિટ અને સરકારી રિસર્ચ ઓર્ગેનાઝેશનની વ્યાખ્યા અને માપદંડમાં સુધારો કરાયો છે. તેનાથી કંપનીઓ અને કામદારોને વધુ સરળતા મળશે. સ્પેશ્યલ પોઝિશન, નોન પ્રોફિટ અને સરકારી રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને H-1B વિઝાની વાર્ષિક મર્યાદામાંથી મુક્તિ અપાઈ છે. હાલમાં આ પ્રોગ્રામની વાર્ષિક મર્યાદા 65,000ની છે.

ફેરફારોથી યુએસ એમ્પ્લોયરોને તેમની બિઝનેસ જરૂરિયાતો અનુસાર વિદેશી કર્મચારીઓને નોકરી આપવામાં અને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહેવામાં મદદ મળશે.

DHSના જણાવ્યા અનુસાર નવા નિયમથી F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને એચ-1બી સ્ટેટસ મેળવવામાં સરળતા રહશે. તેમને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન મેળવવા પણ સુગમતા રહેશે.  નવા નિયમોથી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઈએસ)ને H1-B વિઝા માટે મંજૂરી આપવામાં આવી છે તેવી મોટાભાગની વ્યક્તિઓની અરજીનું ઝડપથી પ્રોસેસિંગ કરવામાં પણ મદદ મળશે.

હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી અલેજાન્ડ્રો એન. મેયોર્કાસે જણાવ્યું હતું કે અમેરિકન કંપનીઓ ઉચ્ચ-કુશળ પ્રતિભાની ભરતી માટે H-1B વિઝા પ્રોગ્રામ પર આધાર રાખે છે, જેનાથી સમગ્ર દેશમાં સમુદાયોને ફાયદો થાય છે. વિઝા પ્રોગ્રામમાં સુધારાથી કંપનીઓને વૈશ્વિક ટેલેન્ટની ભરતી કરવામાં સરળા રહેશે.

LEAVE A REPLY