ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકની પત્ની અને અભિનેત્રી કાશ્મીરા શાહ તાજેતરમાં અમેરિકામાં ગઇ હતી ત્યારે તેને ઇજા થઇ હતી. કાશ્મીરાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મને લાગે છે કે કંઇક મોટું થવાનું હતું. પરંતુ નાનામાં જ છૂટકારો થઇ ગયો.
કાશ્મીરાએ પોતાની પોસ્ટમાં પતિ કૃષ્ણા અભિષેક તેમ જ સંતાનો રયાન અને કૃષ્ણાંગને ટેગ કર્યા હતા. તેણે તેની સાથે પોતાના નાક પર પટ્ટી કરેલી તસવીર પણ મૂકી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે તે ભૂલથી કાચની પેનલ સાથે ભટકાઈ પડી હતી જેને પગલે મને હજી વધુ ગંભીર ઇજાઓ થઇ શકી હોત. પરંતુ ઇશ્વરે મને મોટી ઇજામાંથી બચાવી લીધી.
આટલી પીડામાં પણ તે મજાક કરવાનું નહોતી ચૂકી. તેણે કહ્યું હતું કે મારો પતિ મને લેવા લોસ એંજલસ આવવા ઇચ્છતો હતો. પરંતુ મેં તેને પોતાનું કામ છોડીને આવવાની ના કહી હતી. મને ખાતરી હતી કે જો તે આવશે તો કહેશે કે તેં નાક કપાવી લીધું. જોકે કાશ્મીરાએ તરત જ ગંભીર થઇ જતાં કહ્યું હતું કે હવે હું મારા નાકની નિશાનીને રોજ જોઇશ. એ જોઇને મને સમજાશે કે જીવનનો કોઇ ભરોસો નથી. તેથી ઇશ્વર આપણને જેટલી નવી સવાર બતાવે એટલું વખત આપણને તેનો આભાર માનવો જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરાએ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં, કોઇ કિસી સે કમ નહી, સાઝિશ, પ્યાર તો હોના હી થા, દુલ્હન બનું મે તેરી, હિન્દુસ્તાન કી કસમ, દુલ્હન હમ લે જાયેંગે, હેરાફેરી, દિલ પે મત લે યાર, કુરુક્ષેત્ર, કહીં પ્યાર ના હો જાયે વગેરે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.