કેનેડાના નાયબ વડા પ્રધાન અને નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે એક આશ્ચર્યજનક પગલામાં સોમવારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. અમેરિકામાં ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અંગે જસ્ટિન ટ્રુડો સાથે મતભેદો પછી તેમણે આ નિર્ણય કર્યો હતો. ફ્રીલેન્ડે નાણા પ્રધાન તરીકે પણ રાજીનામું આપ્યું હતું.
કેનેડિયન આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીનો ઉલ્લેખ કરીને ફ્રીલેન્ડે તેમના રાજીનામા પત્રમાં જણાવ્યું હતું કે “આપણો દેશ આજે એક ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે.”
ટ્રુડોએ તાજેતરમાં ટ્રમ્પ સરકારના ભાવિ પગલાં અંગે કેનેડાના પ્રતિસાદ આપવાની કામગીરી ફ્રીલેન્ડને સોંપી હતી. કેનેડાનો મુખ્ય વેપાર ભાગીદાર દેશ અમેરિકા છે. કેનેડા તેની કુલમાંથી આશરે 75 ટકા નિકાસ અમેરિકામાં કરે છે. રાજીનામાના પત્રમાં ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે ટ્રુડો તેમને બીજી કામગીરી સોંપવા માગતાં હતાં, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે “મેં નક્કી કર્યું છે કે મારા માટે કેબિનેટમાંથી રાજીનામું આપવાનો એકમાત્ર પ્રામાણિક અને સક્ષમ રસ્તો છે.”
ડેલહાઉસી યુનિવર્સિટીના પ્રોફેસર લોરી ટર્નબુલે ફ્રીલેન્ડની એક્ઝિટને સરકાર માટે આપત્તિજનક ગણાવીને જણાવ્યું હતું કે “તે ખરેખર દર્શાવે છે કે ટ્રુડો સરકારમાં વિશ્વાસની કટોકટી ઊભી થઈ અને ટ્રુડો માટે વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાનું વધુ મુશ્કેલ બનશે. હાઉસિંગ મિનિસ્ટર સીન ફ્રેઝરે પણ સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણ છોડી રહ્યા છે. કેબિનેટમાં તેમના સૌથી નજીકના મિત્ર અને સાથીદારોમાંના એક અનિતા આનંદે પત્રકારોને જણાવ્યું હતું કે “આ સમાચારે મને ખરેખર આંચકો આપ્યો છે.”