ભારતની મુલાકાતે આવેલા શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુરા કુમારા દિસાનાયકે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખાતરી આપી હતી કે ભારતના હિત માટે હાનિકારક હોય તેવી રીતે શ્રીલંકા તેના પ્રદેશનો કોઈપણ રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. ભારત સાથેના સહયોગ ચોક્કસપણે વધારો કરસે અને શ્રીલંકા સતત સમર્થન ખાતરી આપે છે. ચીન આક્રમક રીતે તેના ‘મિશન હિંદ મહાસાગર’ને આગળ ધપાવી રહ્યું છે ત્યારે શ્રીલંકાએ ભારતને આ વચન આપ્યું છે.
નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક પછી દિસાનાયકે જણાવ્યું હતું કે “મેં ભારતના વડા પ્રધાનને આશ્વાસન પણ આપ્યું છે કે અમે અમારી જમીનનો ઉપયોગ ભારતના હિત માટે હાનિકારક હોય તેવી રીતે ઉપયોગ કરવાની છૂટ આપશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત શ્રીલંકાના પાવર પ્લાન્ટ્સને લિક્વિફાઇડ નેચરલ ગેસ સપ્લાય કરવાની યોજના ધરાવે છે અને બંને દેશોના પાવર ગ્રીડને જોડવા તેમજ પેટ્રોલિયમ પાઇપલાઇન નાખવાની કામગીરી કરશે.
ભારતીય સરકારી કંપની પેટ્રોનેટ LNGએ પાંચ વર્ષ માટે કોલંબોમાં શ્રીલંકાની એન્જિનિયરિંગ કંપની LTL હોલ્ડિંગ્સના પાવર પ્લાન્ટ્સને લિક્વિફાઇડ નેચરલ ગેસ સપ્લાય કરવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા હતાં. બંને પક્ષોએ પાવર ગ્રીડને જોડવાની અને બંને દેશો વચ્ચે મલ્ટિ-પ્રોડક્ટ પેટ્રોલિયમ પાઈપલાઈન નાખવાની યોજના પર પણ ચર્ચાવિચારણી કરી હતી.